યુવકની ક્રુરતાપૂર્વક હત્યા કરાયેલો મૃતદેહ કોથળામાંથી મળ્યો
અસલાલી રીંગરોડ પાસે બનેલી ચોંકાવનારી ઘટના : આરોપીઓએ અન્ય સ્થળે યુવકની હત્યા કરી અહીંયા લાશ ફેંકી હોવાનું પોલીસનું માનવુ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં નવા વર્ષના પ્રારંભમાં જ એક પછી એક ગંભીર ગુનાઓ બની રહયા છે જેના પરિણામે શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસથિતિ કથળી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને નવા વર્ષના પ્રારંભ સાથે જ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. શહેરમાં એક પછી એક હત્યાની ઘટનાઓથી પોલીસતંત્ર હચમચી ઉઠયું છે આ પરિસ્થિતિમાં શહેરના અસલાલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે
જેમાં અજાણ્યા શખ્સોએ એક યુવકની ક્રુરતાપૂર્વક હત્યા કરી તેના મૃતદેહના ટુકડા કરી કોથળામાં પુરી અસલાલી પાસે જ અવાવરુ જગ્યાએ આ કોથળા ફેંકી પલાયન થઈ જતાં સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ કરતા કોથળામાં યુવકનું માથુ અને હાથની આંગળીઓ મળી આવી ન હતી જેના પરિણામે અધિકારીઓ વધુ સતર્ક બન્યા છે અને અમદાવાદ જિલ્લા અને શહેર તથા આસપાસના જિલ્લાઓમાંથી ગુમ થયેલા યુવકોની યાદી મંગાવવામાં આવી રહી છે. હાલમાં હત્યા કરાયેલા યુવકની હજુ સુધી કોઈ ઓળખવિધી થઈ શકી નથી.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં એક પછી એક હત્યાની ઘટનાઓથી પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં બે હત્યાની ઘટનાઓ બાદ પોલીસતંત્ર દ્વારા આરોપીઓને ઝડપી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં દુકાનદારની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીમારી હત્યા કરવાની ઘટનામાં આરોપીઓના કોઈ સગડ પોલીસને હજુ સુધી મળ્યા નથી. આ હત્યાઓની ઘટનાની તપાસ હજુ ચાલુ છે
ત્યાંજ અમદાવાદ શહેરના અસલાલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના ઘટી છે આ વિસ્તારમાં આવેલા રીંગરોડ પર શ્યામ આઈકોન નામના શોપીંગ સેન્ટરની પાસે રસ્તાની બાજુમાં જ લોહીલુહાણ હાલતમાં કોથળો પડેલો જાવા મળ્યો હતો જેના પરિણામે આ સમગ્ર ઘટનાથી પોલીસને વાકેફ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ અસલાલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
રસ્તાની બાજુમાં પડેલા કોથળાને ખોલતા જ અંદરનું દ્રશ્ય જાઈ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં કોથળાની અંદર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસ અધિકારીઓએ આ યુવકના મૃતદેહને બહાર કાઢતા જ ભારે સનસનાટી મચી ગઈ હતી હત્યારાઓએ યુવક પર ખૂબ જ બર્બરતાથી તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું સ્પષ્ટપણે જાવા મળતું હતું.
મૃતદેહમાં આખા શરીર પર સંખ્યાબંધ ઘા જાવા મળ્યા હતા અને મોટાભાગનો ભાગ ચિરાયેલો હતો. પોલીસ અધિકારીઓએ મૃતદેહની તપાસ શરૂ કરતા વધુ ચોંકાવનારી વિગતો ખુલી હતી આરોપીઓએ યુવકનું માથુ કાપી નાંખ્યું હતું અને તેના હાથની આંગળીઓ પણ કાપી નાંખેલી છે આ બંને અંગો કોથળામાં જાવા મળ્યા ન હતા જેના પરિણામે પોલીસ અધિકારીઓએ તાત્કાલિક શહેર ઉપરાંત જિલ્લાભરના પોલીસ સ્ટેશનોને આ અંગેની જાણ કરી હતી.
અસલાલી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા તાત્કાલિક તેઓ પણ દોડી આવ્યા હતાં. ચોંકાવનારી આ ઘટનામાં પોલીસ અધિકારીઓ માની રહયા છે કે આરોપીઓએ યુવકની અન્ય સ્થળ પર હત્યા કર્યાં બાદ તેની લાશના ટુકડા કરી કોથળામાં ભરીને અસલાલી રીંગરોડ પર ફેંકીને પલાયન થઈ ગયા હશે મરનાર યુવકની ઓળખવિધી માટે પોલીસ અધિકારીઓએ તાત્કાલિક લાપત્તા બનેલા યુવકોની યાદી મંગાવી છે અને તેના આધારે તપાસ શરૂ કરવામાં આવશે.
અસલાલી રીંગરોડ પરથી માથુ અને આંગળીઓ વગર ટુકડા કરેલી હાલતમાં કોથળામાંથી યુવકનો મૃતદેહ મળતા શહેર સહિત જિલ્લાભરની પોલીસ એલર્ટ થઈ ગઈ છે હાલમાં આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે મૃતક યુવકની ઓળખવિધી હજુ સુધી થઈ શકી નથી. એફએસએલ તથા અન્ય એજન્સીઓના અધિકારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. હાલમાં આ ગંભીર ઘટનાથી પોલીસતંત્રમાં ભારે સનસનાટી મચેલી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે.