યુવકને ઘરે મળવા બોલાવી પ્રેમિકાનાં પરિવારજનોએ કરી હત્યા
૧પ દીવસથી મૃતક યુવાન ગુમ હતો, પોલીસમાં ફરિયાદ થતા તપાસ શરૂ કરી અને મૃતદેહ જંગલમાંથી મળ્યો
જૂનાગઢ, જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા કરી મૃતદેહ જંગલમાં અને બાઈક તળાવમાં ફેંકી દેવામાં આવ્યું હતું. યુવક ૧પ દિવસથી ગૂમ હોવાથી પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતા યુવાનની હત્યા થયાનું બહાર આવ્યું હતું. યુવતીએ યુવકને ઘરે બોલાવી પરિવારજનોએ ગળુ દબાવી પથ્થરના ઘા મારી હત્યા કરી હતી.
જૂનાગઢના જયશ્રી રોડ વિસ્તારમાં રહેતા સંજય મનસુખભાઈ ચૌહાણને ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં ઝુંપડામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થયો હતો. આ બન્ને અવાર નવાર મળતા હતા. આ અંગેની જાણ યુવતીના પરિવાર અને તેના પિતરાઈ ભાઈને થઈ હતી જેને લઈ આ લોકોએ પ્લાન કર્યો હતો. ગત તા.૧૬ ફેબ્રુઆરીના યુવાનને યુવતીએ મળવા બોલાવ્યો હતો.
ત્યારે સંજય ભુરીયા, અજીત રમેશ અને યુવરાજ આવી પહોંચ્યા હતા એક શખસે મળવા આવેલા યુવાનનું ગળું દબાવી રાખ્યું હતું અને એક શખસે માથામાં પથ્થરના ઘા માર્યા હતા જેમાં યુવાનનું મૃત્યુ થયું હતું બાદમાં ૩ શખસોએ મૃતદેહ જંગલમાં ફેંકી દીધો હતો અને બાઈક તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો.
આ ઘટના બાદ સંજયના પિતા મનસુખભાઈએ પોલીસમાં પુત્ર ગુમ થયાની જાણ કરી હતી પોલીસે તપાસ કરતા યુવાનની હત્યા થયાનું બહાર આવ્યું હતું બાદ પોલીસે હત્યા કરનાર ત્રણેય શખસની અટક કરી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનમાં મૃતક યુવાનના પિતા મનસુખભાઈ ચૌહાણે હત્યાની ફરિયાદ નોંધાવી છે.