યુવકને જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ ૬ અઠવાડિયા માટે જેલમાં મોકલી આપ્યો
સિગાપુર, છેલ્લા દોઢ વર્ષથી ઉપરના સમયથી કોરોનાની મહામારીએ આખી દુનિયામાં હાહાકાર મચાવીને રાખ્યો છે. આ અંગેના દરેક દેશમાં કડક નિયમો પણ લાગુ છે. તેવી જ રીતે કોરોનાની વેક્સીન આવી ગયા પછી પણ હજુ સિંગાપોરમાં કોરોનાને લઈને કોઈ બેદરકારી ત્યાંની સરકાર દાખવી નથી રહી છે. જેનો એક ઘટના પરથી ખ્યાલ આવી શકે છે. અહીંની એક સ્થાનિક કોર્ટે એક બ્રિટિશ નાગરિકને જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ ૬ અઠવાડિયા માટે જેલમાં મોકલી આપ્યો છે.
કોર્ટે પોતાનો આદેશ આપતા કહ્યું છે કે, નિયમ અને કાયદાનું સતત ઉલ્લંઘન કરનારા માટે આ સજા એક મેસેજ છે. લોકલ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ બ્રિટિશ નાગરિકનું નામ બેન્જામિન લિન છે અને તેની ઉંમર ૪૦ વર્ષની છે. આ વ્યક્તિ સતત માસ્ક વગર જાહેર સ્થળોએ જાેવા મળ્યો હતો. આ અંગે તેને ઘણી વખત વોર્નિંગ પણ આપવામાં આવી હતી. પરંતુ તેમછત્તાં તેણે માસ્ક ન પહેરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસે લિન પર ચાર આરોપો લગાવ્યા હતા, જે કોર્ટમાં સુનાવણી દરમિયાન સાચા સાબિત થયા હતા.
બેન્જામિને મેટ્રો સ્ટેશન અને બીજા જાહેર સ્થળોએ માસ્ક પહેરવાથી ઈનકાર કરી દીધો હતો. આ અંગે જુલાઈ મહિનામાં પણ તેને ચેતવણી આપવામાં આવી હતી. આરોપ છે કે વોર્નિંગ આપનારા ઓફિસરો સાથે પણ બેન્જામિને મગજમારી અને માથાકૂટ કરી હતી. એક જજે પહેલા લિનને મનોચિકિત્સક પાસે ઈલાજ માટે મોકલવા પણ કહ્યું હતું. કોર્ટમાં સુનાવણી દરમિયાન લિને કહ્યું હતું કે ઓફિસરોએ તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો છે. તેણે કહ્યું કે તે બ્રિટન તેના પરિવાર પાસે પાછો જવા માગે છે. આથી તેનો પાસપોર્ટ પાછો આપી દેવામાં આવે. લિનના આરોપોને જજે ખારીજ કરતા કહ્યું કે, તમે અદાલતને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છો. તમે સિંગાપોરમાં કોવિડના નિયમો તોડ્યા છે જેના હેઠળ તમારે માસ્ક પહેરવું ફરજિયાત છે.HS