યુવકને દારૂનો જથ્થો વેચીને રૂપિયા કમાવવાનો ઈરાદો ભારે પડ્યો
(એજન્સી) અમદાવાદ, ચાણક્યપુરીમાં રહેતા યુવકને દારૂનો જથ્થો વેચીને રૂપિયા કમાવવાનો ઈરાદો ભારે પડ્યો છે, જેના કારણે હવે તેને જેલના સળિયા પાછળ જવાના દિવસો આવી ગયા છે. યુવક પોતાની કારમાં બિયરનો જથ્થો લઈને આઈઆઈએમ તરફ જતો હતો.
ત્યારે વસ્ત્રાપુર પોલીસે બાતમીના આધારે તેને દબોચી લીધો હતો. કારમાંથી બિયરના ૧૩ ટીન મળી આવ્યા હતા, જે રાજસ્થાનથી વેચવા માટે લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
દારૂનો ધંધો કરતા નાના-મોટા બુટલેગર્સને પકડવા માટે પોલીસ તથા તમામ એજન્સીઓ રાત-દિવસ મહેનત કરી રહી છે ત્યારે હવે નવયુવાનો પણ દારૂના ધંધામાં પોતાનો હાથ અજમાવવા લાગ્યા છે. ચાણકયપુરી વિસ્તારમાં રહેતો જયેશ દેસાઈ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બુટલેગર બની ગયો છે.
જયેશ દેસાઈ રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવીને પોતાના ગૃપ સર્કલમાં વેચતો હતો અને ડબલ નફો કમાતો હતો. શરૂઆતના દિવસોમાં જયેશને સફળતા મળ્યા બાદ તેની હિંમત વધી ગઈ હતી અને તેણે આ ધંધામાં પોતાનું નસીબ અજમાવવાનું નકકી કરી લીધું હતું. જયેશની સફળતા થોડા દિવસો માટેની હતી, કારણ કે પોલીસની બાજ નજર તેના કરતૂતો ઉપર પડી ગઈ હતી.
વસ્ત્રાપુર પોલીસને ચોકકસ બાતમી મળી હતી કે ચાણકયપુરી વિસ્તારમાં રહેતો જયેશ દેસાઈ પોતાની કારમાં દારૂનો જથ્થો રાખે છે અને પોતાના ગ્રુપમાં વેચી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે જયેશ દેસાઈ પર વોચ રાખી હતી ત્યારે ગઈકાલે તે પોતાની કાર લઈને આઈઆઈએમ પાસેથી નીકળ્યો હતો.
પોલીસે જયેશની કાર ઉભી રાખીને ચેક કરી હતી જેમાં બિયરના ૧૩ ટીન મળી આવ્યા હતા. પોલીસે જયેશની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી હતી, જેમાં તેણે કબુલાત કરી હતી કે તે દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવ્યો છે પોલીસે જયેશ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.