યુવકને માર મારી બળજબરી કબૂલાતનો વીડિયો ઉતાર્યો
સુરત: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. લૂંટ, હત્યા, મારા મારી, રેપ અને મહિલા અત્યાચારની ઘટના રોજે-રોજ સામે આવી રહી છે. ત્યારે આજે પતિ પત્ની વચ્ચે વહેમના સંબંધમાં એક યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારી જબરદસ્તી પત્ની સાથેના આડાસંબંધની કબૂલાત કરાવી તેનો વીડિયો બનાવ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોટા વરાછામાં રહેતા અને સરથાણા વિસ્તારમાં ઓટો કન્સલ્ટન્ટનો ધંધો કરતા ઘનશ્યામ નામનો યુવક સીમાડા નાકા પાસે આવેલી પોતાની ઓફિસમાં હતો ત્યારે બપોરના સમયે અચાનક રોહિત પરમાર અને રાહુલ નામનો યુવક જબરદસ્તી ઓફિસમાં ઘુસી આવ્યા અને મારી પત્ની સાથે તારે આડા સંબંધ છે તેમ કહી તેને ઢોર માર મારી અપહરણ કરી લીધુ હતું, અને જબરદસ્તી તેને રોહિતની પત્ની સાથે આડાસંબંધ છે તેવી કબુલાત કરાવી તેનો વીડિયો બનાવ્યો.
આ ઘટનામાં ઘનશ્યામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, તેણે બે લોકો વિરુદ્ધ અપહરણ અને માર મારવાની ફરિયાદ નોંધાવી છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, ઘનશ્યામ સરથાણા વિસ્તારમાં ઓટો કન્સલ્ટન્ટ અને ઈન્શ્યોરન્સ એજન્ટનું કામ કરે છે. તેની ઓફિસમાં મયુરી નામની એક યુવતી કામ કરતી હતી. બુધવારે અચાનક મયુરી નામની યુવતીનો પતિ રોહિત અને રાહુલ નામનો યુવક ઓફિસમાં અચાનક ઘુસી આવ્યા અને તારે મારી પત્ની સાથે આડાસંબંધ છે?
તો ઘનશ્યામે કહ્યું, ના મારે કોઈ સંબંધ નથી. તો તુરંત બંને લોકએ તેને દંડા અને બેલ્ટથી માર માર્યો, તેમણે ધમકી આપી કે, તુ આ વાત કબુલ કર નહીં તો બધાની વચ્ચે બહાર લઈ જઈને મારીશુ. તેથી ઘનશ્યામે કહ્યું કે, બે વર્ષથી આડા સંબંધ હતા પરંતુ હવે નથી. આ રીતે કબુલાત કરાવી તેનો વીડિયો બનાવી લીધો. ઘનશ્યામે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે માર મારી તેનું અપહરણ કર્યું અને કામરેજના ઊંભેળ ગામે લઈ જવામાં આવ્યો,
ત્યાં પણ આ લોકોએ તેને લાકડાના ફટકાથી અને પટ્ટે-પટ્ટે ઢોર માર માર્યો. આ સિવાય તેનો ફોન લઈ લઈ ધમકી આપી કે, મારી પત્ની મયુરીના પિતા કે ભાઈને તથા પોલીસને પણ જાણ કરી તો, જીવતો નહીં છોડીએ. આ ઘટનામાં ઘનશ્યામને બે જગ્યા પર ફ્રેક્ચર થયું છે, સાથે અન્ય નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઘનશ્યામે હુમલાખોર રોહિત અને રાહુલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.