યુવકે ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી
રાજકોટ, રાજકોટ શહેરમાં એક માસ પૂર્વે ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેનાર યુવકના કેસમાં નવો જ ફણગો ફૂટ્યો છે. યુવકે પોલીસ કોન્સ્ટેબલની ધમકીથી ડરીને આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ કોન્સ્ટેબલ યુવકને ધમકી આપી રહ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ કેસમાં મૃતક યુવક આરોપીની સાળાની પત્ની સાથે ફોન અને સોશિયલ મીડિયા થકી વાતચીત કરતો હોવાનું સામે આવ્યું છે. આ વાતને લઈને કોન્સ્ટેબલે યુવકને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે ભરત જીવણભાઈ સવસેટા નામના પોલીસ કોન્સ્ટેબલ મૃતક યુવકને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની તેમજ જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ કોન્સ્ટેબલ સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. યુવકને આત્મહત્યાની ફરજ પાડવા સબબ આ ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસે આઈપીસી ૩૦૬ અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં, પોલીસ કોન્સ્ટેબલ યુવકને ધમકી આપતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફરિયાદ પ્રમાણે મૃતક વિક્રમ ખાંડેખા આરોપીના સાળાની પત્ની સાથે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા થકી વાતચીત કરતો હતા.
આ વાતને લઈને આરોપી કોન્સ્ટેબલે પીડિત યુવકને સંબંધ તોડી નાખવા અને જાે સંબંધ રાખશે તો બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલે પીડિતને જીવથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જે બાદમાં યુવકે તારીખ ૧૯-૧૨-૨૦૨૦ના રોજ અશ્વીન ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
વિક્રમનું ગેસ્ટ હાઉસમાં જ મોત થઈ ગયું હતું. આ મામલે વિક્રમના ભાઈ તરફથી ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદ મોડી આપવા બાબતે વિક્રમના ભાઈ વિજયભાઈએ જણાવ્યું હતું કે, અમે એક જ કુટુંબના તેમજ જ્ઞાતીના છીએ. આ ઉપરાંત ભાઈના મોતથી પરિવારને આઘાત લાગ્યો હોવાથી ફરિયાદ આપવામાં મોડું થયું છે.SSS