યુવકે જાતે ફાયરિંગ કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
પંચમહાલ: ઘોઘમ્બા તાલુકાના કાલસર ગામના ડેપ્યુટી સરપંચના પુત્ર પર ફાયરિંગ થવાની ચકચારી ઘટના સામે આવી હતી. આ ફાયરિંગની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘમ્બા તાલુકાના કાલસર ગામના ડેપ્યુટી સરપંચ હરિસિંગ રાઠવાનો પુત્ર અનિલ ખેતરેથી ટ્રેકટર લઈ પોતાના ઘરે આવી રહ્યો હતો. તે દરમ્યાન રસ્તામાં બાઇક સવાર ત્રણ ઈસમોએ અનિલનું ટ્રેકટર ઉભું રખાવી તેની સાથે કોઈક બાબતે બોલાચાલી કરી હતી.
આ બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા માથાકૂટ કરનાર ત્રણ ઈસમો પૈકી એક યુવકે અનિલ પર છાતીના ભાગે ફાયરિંગ કરી દીધું હતું. ગોળી છાતીના ભાગે વાગતા ગંભીર રીતે ઘવાયેલ અનિલ લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે પડ્યો હોવાની કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનું તરખટ રચવામાં આવ્યું હતું. જ્યારે હકિકતમાં યુવકે જાતે જ પોતાના પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. પતિ પત્ની વચ્ચેના અંતઃકલેહના લીધે યુવકે જાતે જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દેશી તમંચા વડે યુવકે પોતાના જ ઘરમાં ફાયરિંગ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે દેશી તમંચો કબજાે કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ડેપ્યુટી સરપંચના પુત્ર અનિલની હાલત નાજુક હોવાથી તેને વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યો છે.