યુવકે જૂના ફોટા વાયરલ કરતાં પરિણીતાએ એસિડ પીધું
યુવતીનાં લગ્ન થઈ જતાં ઉશ્કેરાયેલાં યુવકે ધમકીઓ આપી તેનાં પતિને ફોટા મોકલી આપ્યાં
અમદાવાદ: સોશિયલ મીડિયા ઉપર કેટલાંક શખ્સો તેનો દુરૂપયોગ કરી યુવતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરતાં હોય છે અને આવી સંખ્યાબંધ ફરીયાદો નોંધાવા લાગી છે. પરંતુ કેટલાંક વિસ્તારમાં સમાજમાં બદનામી બીકે યુવતીઓ અંતિમ પગલું ભરતી હોય છે. આવો જ એક બનાવ શહેરનાં ગીતા મંદિર વિસ્તારમાં બન્યો છે.
બે વર્ષ પહેલાં એક યુવક સાથે પરિચય થયા બાદ આ યુવતીનાં અન્ય યુવક સાથે લગ્ન થતાં ઉશ્કેરાયેલાં યુવકે આ યુવતીનાં જૂના ફોટા વાયરલ કરતાં સાસરીયાઓએ ઠપકો આપ્યો હતો અને તે પોતે પોતાનાં પિયર આવતી રહી હતી અને આ સમગ્ર ઘટનાથી મનમાં લાગી આવતાં તેણે એસિડ પીતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા સામાન્ય નાગરીકો માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે. પરંતુ કેટલાંક શખ્સો તેનું દુરૂપયોગ પણ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા થકી છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. આ ઉપરાંત કેટલાંક શખ્સો યુવતીઓને ફસાવી પણ રહ્યાં છે. આવી ઘટનાઓમાં કેટલીક યુવતીઓ હિંમત દાખવીને પોલીસ ફરિયાદ કરવા લાગી છે.
શહેરનાં ગીતા મંદિર વિસ્તારમાં આવેલી કૃષ્ણનગરની ચાલીમાં રહેતી એક યુવતીનું બે વર્ષ પહેલાં પોતાનાં જ એક સંબંધી અને પરિચિત યુવક સાથે પરિચય કેળવાયો હતો. ત્યારબાદ આ યુવતીનાં લગ્ન અન્ય એક યુવક સાથે એક વર્ષ પહેલાં થયા હતાં. યુવતીનાં લગ્ન થઈ જતાં યુવક ઉશ્કેરાયો હતો અને તે યુવતીને વારંવાર ધમકીઓ આપતો હતો.
યુવતીનાં લગ્ન થયા બાદ ઉશ્કેરાયેલાં યુવકે યુવતીને તેના પતિ સહિત અન્ય વ્યક્તિઓની હત્યા કરવાની ધમકી પણ આપી હતી. જેનાં પરીણામે યુવતી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. આ દરમિયાનમાં થોડાં દિવસ પહેલાં પોતાનાં સાસરે અમરાઈવાડી સુખસાગરનગરમાં હાજર હતી
ત્યારે મોડીરાત્રે તેનો પતિ ઘરે આવ્યો હતો અને તેને તેની પત્ની એટલે કે આ યુવતીને પોતાનાં ફોનમાં આવેલાં ફોટા બતાવ્યાં હતા આ ફોટામાં તે પેલાં યુવક સાથે નજરે પડતી હતી. ઉશ્કેરાયેલાં યુવકે આ યુવતી સાથેના બે વર્ષ જૂનાં ફોટાં વાયરલ કર્યા હતા અને તેના પતિને પણ તે મોકલ્યા હતા. જેનાં પરીણામે પતિ ઉશ્કેરાયો હતો અને આ યુવતીનાં સંબંધીઓને ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ આ યુવતી પોતાનાં પિયર ગીતા મંદિર ખાતે આવી ગઈ હતી.
યુવકે ફોટા વાયરલ કરતાં તેનું લગ્નજીવન મુશ્કેલીમાં મુકાયું હતું. આ ઘટનાથી તે માનસિક રીતે ખૂબ જ વ્યથિત બની ગઈ હતી. આ યુવક તેની મોટી બહેનનો દિયર હતો. માનસિક રીતે વ્યથિત બની ગયેલી આ યુવતીએ બે દિવસ પહેલાં પોતાનાં ઘરે નાની બહેન સાથે હતી ત્યારે બાથરૂમમાં જઈ એસિડ ગટગટાવી લીધું હતું. એસિડ પીધાં બાદ બળતરા થવા લાગતાં તથા ઉલટી થવા લાગતાં તેની નાની બહેને ઘરનાં સભ્યોને બોલાવ્યાં હતાં. અને આ યુવતીને ગંભીર હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે. આ ઘટનાથી યુવતીનાં પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા છે.
બીજીબાજુ ઘટનાની જાણ થતાં કાગડાપીઠ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યાં હતા અને પૂછપરછ કરતાં ઉપરોક્ત ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આ વિગતો બહાર આવતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. અને આ અંગે યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.