યુવકે પરિણીતાને અચાનક બાથમાં ભીડી અને કપડાં ફાડી નાખ્યા
અમદાવાદના પોશ વિસ્તારની શરમજનક ઘટના-પરિણીતાની પાડોશમાં રહેતા યુવકે છેડતી કરી
અમદાવાદ, પોશ વિસ્તાર એવા બોડકદેવ નજીક સિંધુભવનમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં આજથી ૨ દિવસ પહેલા એક શરમજનક ઘટના બની હતી. જ્યાં એક પરિણીતાને તેના પાડોશમાં રહેતા યુવકે બાથમાં ભીડીને પોતાના ઘરમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતાં પરિણીતાએ પોતાની આબરૂ બચાવી હતી. આ શરમજનક કિસ્સો હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, શહેરના પોશ વિસ્તાર એવા સિંધુભવનમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને તેના પાડોશમાં રહેતો એક યુવક દરરોજ હેરાન કરતો હતો. આ પરિણીતા જ્યારે ઘરેથી બહાર જવા નીકળે ત્યારે આ યુવક માત્ર અંડરવેર પહેરીને તેની સામે ઊભો રહી જતો હતો.
ત્યારે પાડોશમાં રહેતા આ યુવકે તે પરિણીતા જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે તેને અચાનક બાથમાં ભીડી લીધી અને તેનાં કપડાં ફાડી નાખ્યા હતા. બાદમાં તેને પોતાના ઘરમાં ખેંચી લઈ જવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ દરમિયાન ચીસાચીસ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં પરિણીતાએ પોતાની આબરૂ બચાવી હતી.
શહેરના પોશ વિસ્તાર એવા સિંધુભવનમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી આ પરિણીતા વર્કિંગ વુમન છે અને તે પોતાના પરિવાર સાથે રહે છે તેમજ તેના બે બાળકો છે. આ મહિલાના પાડોશમાં રહેતો યુવક તેની સામે અશ્લીલ ચેનચાળા કરતો હતો.
જ્યારે આ મહિલા તેના ઘરની બહાર નીકળે ત્યારે પાડોશમાં રહેતો યુવક તેની સામે અંડરવેર પહેરીને ઊભો રહી જતો હતો. અગાઉ પણ આ મહિલાના પતિએ તે યુવકને આ પ્રકારનું વર્તન નહીં કરવા માટે કહ્યું હતું. ત્યારે પાડોશમાં રહેતો યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને ધમકી આપી હતી. આખરે આ સમગ્ર બાબતે પરિણીતાએ હિંમત કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.