યુવક જમવા ગયો ને પત્નીના પર્સમાંથી ૩૦ હજારની ચોરી
યુવકને તેના જ કૌટુંબિક ભત્રીજાએ અને તેના ગામના ત્રણ લોકો નોકરીએ આવતા ઘરે આશરો આપવો ભારે પડ્યા
અમદાવાદ, જીસ થાલી મેં ખાયા ઉસી મેં છેદ?” આ કહેવતને બંધ બેસતો એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. ફેકટરીમાં કામ કરતા યુવકને તેના જ કૌટુંબિક ભત્રીજાએ અને તેના ગામના જ ત્રણ લોકો અમદાવાદ નોકરીએ આવતા ઘરે આશરો આપવો ભારે પડ્યો છે.
આ યુવકે ચારેયને નોકરી અપાવી અને પોતાના ઘરમાં રહેવાની જગ્યા આપી ભાડું વસુલ્યું હતું. પણ એક દિવસ ચારેય લોકો પર વિશ્વાસ મૂકી તાળું માર્યા વગર આ યુવક બહાર જમવા ગયો ને તેની પત્નીના પર્સમાંથી ૩૦ હજારની ચોરી થઈ હતી. જે મામલે અરજી આપતા રામોલ પોલીસે આ જ ચારેય લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ રામોલ ગામમાં રહેતા તિલકસિંગ ઝાટક વટવા જીઆઇડીસીમાં આવેલા ફેજ ૪ની એક કંપનીમાં નોકરી કરે છે. તેમના વતનમાં રહેતો કૌટુંબીક ભત્રીજાે રોહિત ઝાટક અગાઉ અમદાવાદ નોકરી કરતો હતો. ફરી તેનો ફોન આવ્યો અને તે અમદાવાદ નોકરી કરવા આવવાનો હોવાની જાણ કરી હતી.
જેથી તિલકસિંગ એ રોહિતને ઘરે આવવા કહ્યું હતું. બાદમાં રોહિત અને તેના ગામના ત્રણ મિત્રો શેરુ, વિકાસ અને સંજય આ તિલકસિંગના ઘરે આવ્યા હતા. આ તિલકસિંગએ એક કંપનીમાં તેઓને કામ અપાવ્યું હતું. આ ચારેય લોકો ત્યાં નોકરી કરતા અને તિલકસિંગના ઘરે જ રહેતા હતા જેના બદલામાં ૧૫ હજાર ચૂકવતા હતા.
જ્યારે પગાર આવે ત્યારે તિલકસિંગને તેઓ આપતા અને તિલકસિંગ ૧૫ હજાર કાપી બાકીના આ ચારેય લોકોને પરત આપતા હતા. ગત જુલાઈ માસમાં આ ચારેય લોકોનો ૪૮ હજાર પગાર આવ્યો હતો. જેમાંથી રહેવા જમવાના અને ઇલેક્ટ્રિસિટી બીલના રૂપિયા કાપી તિલકસિંગએ બાકીના રૂપિયા પરત આ ચારેયને આપી દીધા હતાં.
બાદમાં આ તિલકસિંગ તેમના પરિવાર સાથે બહાર જમવા ગયા હતા. આ ચારેય એક જ ગામના હોવાથી વિશ્વાસ મૂકી તાળું ન મારી તેઓ બહાર ગયા હતા. બીજે દિવસે ખબર પડી કે તિલકસિંગના પત્નીના પર્સમાંથી ૩૦ હજાર ગાયબ છે. જે બાબતે આ ચારેય ને પૂછતાં બબાલ થઈ હતી. જે મામલો પોલીસમથકે પહોંચ્યો પણ બાદમાં સમાધાન થયું હતું.
બાદમાં તિલકસિંગએ તેમના વકીલને આ બાબતની ચર્ચા કરતા તેઓએ રામોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી આપી હતી. જે અરજી આધારે રામોલ પોલીસે ચારેય લોકો સામે ચોરીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.