યુવક ને અન્ય યુવતી સાથે ફોન પર વાત કરતા પત્નીએ ઝડપ્યો
અમદાવાદ, લગ્ને લગ્ને કુવારા અનેક યુવકો ની કહાની અત્યાર સુધી સાંભળવા મળી હશે પરંતુ હવે તો લગ્ને લગ્ને કુવારા એવા પોલીસકર્મીની કહાની પોલીસ ચોપડે નોંધાઈ છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા એક એ.એસ.આઈ ની પત્નીએ તેની સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે અને તેમાં આક્ષેપ કર્યો છે કે તેના પતિને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ હતા. મોડી રાત્રે અનેક યુવતીઓના ફોન પણ આવતા હતા.
એટલું જ નહીં, રાજકોટ પોલીસમાં ફરજ બજાવતી કોઈ મહિલા પોલીસ કર્મીનો પણ ફોન આવ્યો હતો અને આ તમામ બાબતે જ્યારે યુવતી તેના પતિને વાત કરે તો સર્વિસ રિવોલ્વર લમણે મુકી ધાક ધમકીઓ આપી તેને માર મારતો હતો. જેથી કંટાળીને આખરે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
શહેરના વેજલપુરમાં રહેતી ૩૦ વર્ષીય યુવતી અઢી મહિનાથી તેની માતા તથા પિતા અને ભાઈ સાથે રહે છે. આ યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૩માં ગાંધીનગર ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નના ચાર વર્ષ સુધી સાસરિયાઓએ આ યુવતીને સારી રીતે રાખી હતી.
બાદમાં વર્ષ ૨૦૧૬માં યુવતીનો પતિ પોલીસખાતામાં એ.એસ.આઇ તરીકે નોકરીએ લાગ્યો ત્યારે જૂનાગઢ ખાતે તાલીમ માટે ગયો હતો. જે તાલીમ પૂર્ણ કરી વર્ષ ૨૦૧૭માં તેનું પ્રથમ પોસ્ટિંગ સાબરકાંઠા જિલ્લા ખાતે થયું હતું અને થોડા મહિના પછી તેની બદલી ગાંધીનગર જિલ્લામાં થઈ હતી.
ત્યારે યુવતીનો પતિ કોઈની સાથે સતત ફોન પર વાતચીત કરતો હતો અને પત્ની પ્રત્યે કોઈ ધ્યાન આપતો ન હતો. એટલું જ નહીં, યુવતીનો પતિ રાત્રે ઘરે મોડો આવતો હતો અને તેની સાથે સરખી રીતે વાત પણ કરતો ન હતો. જ્યારે યુવતી કોઇ ચીજ વસ્તુ મંગાવી હોય કે અન્ય કોઈ કામ હોય તો તેનો પતિ મિત્રોના નંબર ઉપર ફોન કરવા જણાવતો હતો અને પોતાનો ફોન ઉપાડતો નહોતો.
જ્યારે સાસુ-સસરાને આ બાબતે યુવતીએ ફરિયાદ કરી ત્યારે તેઓએ તેમનો દીકરો પોલીસમાં નોકરી કરે છે તો તે મોડો પણ આવે એમાં તારે આ બાબતે પૂછવાનું નહીં તેમ કહી ત્રાસ આપતા હતા.
યુવતીનો પતિ તપાસનું બહાનુ કાઢી ત્રણ ચાર દિવસ મહિનામાં એકાદ વખત બહાર ક્યાંક જતો રહેતો હતો અને આ બાબતે તેને કઈ યુવતી પૂછે તો નોકરીનું કારણ આપી ખોટા બહાના બતાવી હકીકત છુપાવતો હતો. ત્યારબાદ સાસરિયાઓએ યુવતીને ત્રાસ આપી પોલીસકર્મી એવા પતિને ગાડી લાવવી છે અને પૈસા ભરવાના છે તેમ કહી ૫૦ હજાર પિયરમાંથી લાવવા દબાણ કર્યું હતું.
ત્રણેક વર્ષ પહેલા એક દિવસ રાત્રે યુવતીનો પતિ સુઈ ગયો હતો. ત્યારે રાત્રે બાર વાગે કોઈનો ફોન આવ્યો હતો. જેથી યુવતીએ ફોન ઉપાડતા કોઈ છોકરી બોલતી હતી અને યુવતીએ હું તેની પત્ની બોલું છું તેમ કહેતા જ ફોન કરનાર યુવતીએ ફોન કાપી નાખ્યો હતો.
ત્યારબાદ યુવતીનો પતિ અચાનક જાગી ગયો હતો અને કહ્યું કે તું જે છોકરીએ ફોન કર્યો તેને રિટર્ન કોલ કરી એવું કહી દે કે હું તેની વાઈફ નથી ખાલી મજાક કરતી હતી. જે બાબતે યુવતીએ ના પાડતાં તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને સર્વિસ રિવોલ્વર લમણે મુકી માર માર્યો હતો.
જ્યારે સાસુ-સસરાને આ બાબતે ફરિયાદ કરી તો તેઓએ જણાવ્યું કે, હજુ તો તે જવાન છે આ બધું તો ચાલ્યા કરે અને તે પોલીસ ખાતામાં નોકરી કરતો હોય જેથી તું અમારૂ કશું બગાડી નહીં શકે તેમ કહી યુવતીને ત્રાસ આપ્યો હતો. વર્ષ ૨૦૨૧ માં આર.એસ લખેલા નંબરથી રાજકોટ પોલીસ માં નોકરી કરતી એક યુવતીનો પતિ ઉપર ફોન આવ્યો હતો.
ત્યારે યુવતીના પતિએ ખોટું બોલી કહ્યું કે, પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે. જે બાબતે શંકા જતા યુવતીએ તેના પતિને તે નંબર ઉપર ફોન કરવાનું જણાવતા તેના પતિએ ફોન લઈ લીધો હતો.
ત્યાર બાદ યુવતીના સાસરિયાઓ યુવતીને પિયરમાં મૂકી ગયા હતા અને બીજા દિવસે જે રાજકોટની પોલીસકર્મી નો ફોન આવ્યો હતો તેને ફોન કરતાં તે મહિલા પોલીસે ફોન કટ કર્યો હતો અને તુરત જ યુવતીના પતિને ફોન કર્યો હોવાની જાણ કરી દીધી હતી.
યુવતીએ આ મહિલા પોલીસકર્મીને જણાવ્યું હતું કે, તારા કારણે પતિ સાથે પ્રોબ્લેમ થયા છે. જેથી રાજકોટની આ મહિલા પોલીસકર્મી અમદાવાદ યુવતીને મળવા આવી હતી. જ્યાં તેણે જણાવ્યું કે, હવે આજ પછી હું તમારા પતિ સાથે કોઈ સંબંધ નહીં રાખું એમ કહેતા યુવતી ઘરે જતી રહી હતી.
યુવતીનો પતિ ત્યારબાદ પણ અવારનવાર ત્રાસ આપી છૂટાછેડા આપવા માટે દબાણ કરતો હતો અને ૨૦૨૨માં તેનો પતિ એકલો કલોલ રહેવા જતો રહ્યો હતો અને યુવતી સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખતો ન હતો. જેથી સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ પતિ સહિત ચાર લોકો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SSS