યુવક હીરાદલાલના ૩૦ લાખના હીરા, ૧.૧૬ લાખની રોકડ સાથે મોપેડ ચોરી ભાગી ગયો
સુરત: સુરતના કાપોદ્રામાં કારગિલ ચોક માત્ર દોઢ મિનિટમાં રેઇનકોટ પહેરીને આવેલો યુવક હીરાદલાલના ૩૦ લાખના હીરા, ૧.૧૬ લાખની રોકડ સાથે મોપેડ ચોરી ભાગી જતા ચકચાર મચી ગઇ હતી. હીરાદલાલને મિત્રના કારીગરને માવો આપવાનું ભારે પડી ગયું હતુ. કાપોદ્રા પોલીસે રૂા.૩૧.૪૬ લાખની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગતો પ્રમાણે પુણામાં બુટભવાની રોડ પર કૈલાસધામ સોસાયટીમાં રહેતા હીરાદલાલ પરેશ ભુપતભાઇ દુધાત (ઉ.વ.૪૫, મુળ જેસર, ભાવનગર) હીરાદલાલ છે. કાપોદ્રા જવાહરનગર રોડ પર સાઇનાથ સોસાયટીમાં તેઓ હીરાની ઘંટી ચલાવે છે. છેલ્લાં એક મહિનામાં તેમણે અલગ-અલગ વેપારીઓ પાસે તૈયાર કરાવેલા ૩૦૦ કરેટના ૩૦ લાખની કિંમતના હીરા કપડાંની બેગમાં મુક્યા હતા.
હીરા ભરેલી બેગમાં વેચાણના રૂા.૧.૧૬ લાખ મુક્યા હતા. આ રોકડ અને હીરા ભરેલી બેગ એક્ટિવાની ડીકીમાં મુકી તેઓ કારગીલ ચોક, જય સરદાર સ્કૂલ પાસે નારાયણનગર સોસાયટીમાં ગયા હતા. અહીં એક્ટિવા પાર્ક કરી ઓફિસની સામે આવેલી મિત્ર પ્રવિણ ઝાલાવડિયાની હીરાની ઘંટી પર ગયા હતા. અહીં એક કારીગરને માવો આપવા ગયા બાદ દોઢેક મિનિટમાં પરત ફર્યા તો એક્ટિવા ગાયબ જણાઇ હતી. એક્ટિવાની ડીકીમાં ૩૦ લાખના હીરા, ૧.૧૬ લાખ રોકડા ભરેલું પર્સ હતુ.
પરેશભાઇએ સ્થાનિક વિસ્તારમાં તપાસ કર્યા બાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતા બ્લેક કલરનો રેઇનકોટ પહેરીને આવેલો એક યુવક ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલીને કે લોક તોડીને પલકવારમાં મોપેડ ચોરી ભાગી જતો દેખાયો હતો.
બનાવ અંગે જાણ થતા કાપોદ્રા પોલીસે સ્થળ પર ધસી જઇ હીરા વેપારી સહિત આજુબાજુના લોકોના નિવેદન લેવાની કવાયત હાથ ધરી હતી. બદમાશે હીરા વેપારીની રેકી કરી હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસમાં જાણભેદું સંડોવણી હોવાની પણ પોલીસને શંકા છે. ભરચક વિસ્તારમાં લાખોના હીરાની ચોરીને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળ પર જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મોડીરાત્રે કાપોદ્રા પોલીસે ૩૦ લાખના હીરા, ૧.૧૬ લાખની રોકડ અને ૩૦ હજારની મોપેડ મળી ૩૧.૪૬ લાખની ચોરીનો ગુનો અજાણ્યાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.