યુવતીએ તેના પતિને મકાન ખાલી કરવા નોટિસ ફટકારી
છૂટાછેડા માટે પિટિશન કરતા પતિએ સમાધાન કર્યું-નરોડા ખાતેના ફ્લેટમાં અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી પત્નિને હેરાન કરતા પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ
અમદાવાદ, નરોડામાં પોલીસ મથકે એક યુવતીએ તેના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતી આક્ષેપ કર્યો છે કે, તેના પિતાએ જમાઈને લઈ આપેલ ફ્લેટમાં અન્ય યુવતી સાથે રહીને પ્રેમલીલા કરતો અને પતિએ છૂટાછેડાની પિટિશન સામે સમજૂતી કરાર કરી યુવતી સાથે રહેવા લાગ્યો હતો. પરંતુ ફરીથી યુવતીને ત્રાસ આપતા તેણે ફરિયાદ નોંધાવી છે.
હાલ નવા નરોડા માં રહેતી ૩૦ વર્ષીય યુવતીના વર્ષ ૨૦૦૮ માં લગ્ન થયા હતા. લગ્ન બાદ તેનો પતિ દારૂ પીને તેને માર મારતો હતો. આટલું જ નહીં યુવતીના લગ્નમાં તેને મળેલા દાગીના અને એક લાખ રૂપિયા તેની સાસુએ લઈ લીધા હતા. આ બધા ઝગડા બાદ યુવતીના પિતાએ સંસાર ન બગડે તે હેતુથી સમાધાન કરાવ્યું હતું. બાદમાં યુવતી તેના પતિ સાથે વર્ષ ૨૦૧૩ માં હાલ રહે છે તે મકાનમાં શિફ્ટ થઈ હતી.આ મકાન યુવતીના પિતાએ તેનો સંસાર બચાવવા માટે જમાઈને ખરીદી આપ્યું હતું.
યુવતીના ભાઈએ પણ હપ્તા તેમના જમાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લોન પુરી કરી આપી હતી. બાદમાં આ જ ફ્લેટમાં રહેતી રૂપલ નામની યુવતી સાથે ફરિયાદીના પતિને પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમ પ્રકરણની જાણ ફરિયાદી યુવતીને થતા તેને પતિને આવા સંબંધો ન રાખવા કહેતા તેને મારી હતી. બાદમાં વર્ષ ૨૦૧૬ માં પુત્રને સ્કૂલે મુકતા યુવતી અને તેનો પતિ નિકોલ રહેવા ગયા હતા.
ત્યાંથી પણ તેનો પતિ તેની પ્રેમિકા સાથે ઘરમાં જણાતા પતિ અને પ્રેમિકાએ આ યુવતીને માર મારી ધમકીઓ આપી હતી. આટલું જ નહીં બાદમાં યુવતી તેના પિયર જતી રહી હતી. રાજસ્થાનમાં કોર્ટમાં ડાયવોર્ષ પિટિશન ફાઇલ કરતા તેનો પતિ સમાધાન માટે આવ્યો હતો અને તેની સામે સમજૂતી કરાર કર્યા હતા. પણ છતાંય બાદમાં તે વર્ષ ૨૦૧૯ માં પણ ફરીથી તેની પ્રેમિકા સાથે વાત કરતો તેની પત્નીના હાથે ઝડપાયો હતો.
ચાલુ વર્ષે આ યુવતીને તેના પતિએ મકાન ખાલી કરવાની નોટિસ પણ ફટકારી હતી. તપાસ કરી તો તેના પતિએ જાણ બહાર જ આ મકાન કોઈને વેચ્યું હોવાનું સામે આવ્યું હતું. આખરે યુવતીએ તેના પતિ સહિત નવ લોકો સામે ફરીયાદ આપતા હવે નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે.