યુવતીના ઇન્સ્ટાગ્રામ પર મોબાઇલ નંબર અને ભાવ લખી બદનામ કરી
અમદાવાદ, આજકાલ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામનો વધુ ઉપયોગ યંગસ્ટર્સ કરતાં હોય છે. પહેલાં સોશિયલ મીડિયામાં ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી અને બદનામ કરવાના કિસ્સા બનતા હતા, પરંતુ હવે ઇન્સ્ટાગ્રામ પર લોકો દ્વારા ફેક આઇડી બનાવી અને બદનામ અથવા તો હેરાન કરવામાં આવતા હોવાના કિસ્સા વધ્યા છે.
શહેરના મોટેરા વિસ્તારમાં રહેતી યુવતીની ઇન્સ્ટાગ્રામ આઇડીના કોમેન્ટમાં કોઇએ તેનો મોબાઇલ નંબર તેમજ ૪૦ રૂપિયા ભાવ પોસ્ટ મૂકી બદનામ અને હેરાન-પરેશાન કરતાં ફરિયાદ નોંધાવી છે.
મોટેરા રહેતી ૩૨ વર્ષીય યુવતીએ અજાણી વ્યક્તિ વિરૂદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર યુવતી સોશિયલ મીડિયામાં તેનાં એકાઉન્ટ ધરાવે છે. કોઇ અજાણી વ્યક્તિએ તેનો મોબાઇલ નંબર queen9468 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર મૂકી દીધો હતો અને તેની બાજુમાં ૪૦ રૂપિયાનો ભાવ લખી યુવતીની છાપ ખોટી રીતે ચીતરીને તેના જીવનમાં મુશ્કેલીઓ વધારવાની કોશિશ કરી હતી.
આ અંગે યુવતીને પતિ દ્વારા જાણ થતાં તે સમગ્ર બાબતને જાણીને ખૂબ જ ચોંકી ગઇ હતી. યુવતીએ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં અજાણી વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સતત સાયબર ક્રાઇમના ગુનાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આ ગુનાઓને આંતરી પોલીસ ગુનેગાર સુધી પહોંચી પણ રહી છે અને ડિટેક્શનનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે સાયબર ક્રાઇમ અટકાવવા સાવચેતી અનિવાર્ય છે.