યુવતીનું અપહરણ કરનારા ચાર સામે ફરિયાદ નોંધાઈ
અમદાવાદ: અમદાવાદમાં વધુ એક યુવતીની છેડતી અને અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. ઓઢવમાં બનેલા કિસ્સામાં ૨૧ વર્ષની યુવતીનું ચાર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, આ અપહરણ બાદ તેને કઠવાડા રિંગરોડ પર એક ખેતરમાં લઈ જઈને તેની સાથે જબરજસ્તી કરવામાં આવી હતી. યુવતીને અપહરણ કરીને લઈ ગયેલા શખ્સોએ ધમકી આપી હતી કે, આ પછી યુવતીને ખેતરમાં જ મુકીને આ શખ્સો ત્યાંથી પલાયન થઈ ગયા હતા. પોતાની સાથે બનેલી ઘટના અંગે યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતી સાથે આ ઘટના ધૂળેટીના દિવસે બની હતી. ધૂળેટીના દિવસે ૨૧ વર્ષની યુવતી પોતાના મિત્રના ઘરે જઈ રહી હતી ત્યારે કારમાં આવેલા શખ્સોએ તેને રોકીને બળજબરી કારમાં બેસાડી લીધી હતી અને પછી તેને કઠવાડા પાસે રિંગરોડ પર ઝાડીમાં લઈ ગયા હતા. યુવતી ચારમાંથી બે યુવકોની ઓળખ કરી હતી, જેઓ યોગવેન્દ્ર રાજપૂત અને દેવેન્દ્ર રાજપૂત હતા. જેમાં યોગવેન્દ્ર રાજપૂતે કહ્યું હતું કે, “પ્યાર સે માન ગઈ હોતી તો યે સબ નહીં કરના પડતા. આ પછી તેણે ગાડીમાંથી ઉતરીને અડપલા કરવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન ત્યાં ઉભેલા અન્ય શખ્સો હસતા હતા.
યુવતીએ પોતાને છોડી દેવા જણાવ્યું તો યોગવેન્દ્ર નામના શખ્સે યુવતી સાથે મારામારી કરી હતી, આ પછી તેને પ્રેમથી માની જજે અને મારી સાથે લગ્ન કરી લે જે નહીં તો ફરી પાછી ઉપાડી જઈશ અને હાલત ખરાબ કરી નાખીશ તેમ કહ્યું હતું. આ પછી આ ચાર શખ્સો યુવતીને ત્યાં જ છોડીને કારમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
યુવતી ખેતરમાંથી બહાર આવીને રિક્ષા કરીને પોતાના ઘરે પહોંચી હતી. પોતાની સાથે બનેલી ઘટના અંગે યુવતીએ પોતાની માતાને જણાવ્યું અને પછી બન્ને પોલીસ ફરિયાદ માટે ઓઢવ પોલીસ સ્ટેશન આવ્યા હતા. યુવતીએ યોગવેન્દ્ર રાજપૂત અને દેવેન્દ્ર રાજપૂત સહિત ૪ સામે ફરિયાદ નોંધાવી છે. તેમની સામે અપહરણ અને શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી છે.