યુવતીને ભગાડી લઇ જનાર યુવકની હત્યા કેસના આરોપીઓને આજીવન કેદની સજા
વડોદરા: વડગામ તાલુકાના વરવાડીયા ગામની એક યુવતીનું ૨૦૧૭માં એક યુવક ભગાડી ગયો હતો. આ કેસમાં ડાલવાણાના યુવક ઉપર શક રાખી તેને વડોદરા મકરપુરા બસ સ્ટેશનથી બસમાંથી નીચે ઉતારી માર માર મારતા મોત નિપજયું હતુ. આ ચકચારી કેસમાં એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટે ૧૪ આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂ.૨૧,૦૦૦નો દંડ ફટકારી સજા કરતા ચકચાર મચી જવા પામી છે.
વરવાડીયા ગામમાં સને ૨૦૧૭માં એક જ સમાજના યુવક- યુવતી ભાગી ગયા હતા. જેમને શોધવા માટે પરિવારજનો નીકળ્યા હતા. દરમિયાન ભાગી છૂટેલા યુવકના મામાના દીકરા વડગામ તાલુકાના ડાલવાણા ગામના ૧૮ વર્ષીય કિરણ માનાભાઇ પરમાર પર શક હતો. જે સુરત સ્થિત હોટલમાં નોકરી કરતો હોઇ પાલનપુરથી સુરત જતી બસમાં બેઠો હતો.
દરમિયાન, વરવાડીયાના શખ્સોએ વડોદરાના મકરપુરા બસ સ્ટેશને બસમાંથી નીચે ઉતારી માર મારતાં તેનું મોત નિપજ્યું હતુ. આ અંગે મૃતકના ભાઈ દિનેશભાઇએ ગત ૧૫/૮/૨૦૧૭ના રોજ વડગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સ્પે.એટ્રો કેસ નં.૨૭/૨૦૧૭ નામદાર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ દિપક પુરોહિતે રજૂ કરેલ દસ્તાવેજી અને મૌખિક પુરાવા સહિત ધારદાર દલીલોને ધ્યાને લઈને પાલનપુરના સ્પેશ્યલ(એટ્રો)જજ તથા એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.એમ.આસેડીયાએ આરોપી નં.૧ થી ૧૪ ને ઇ.પી.કો.ક.૩૪, ૩૦૨, ૩૩૧, ૩૪૨,૩૬૪ અને ૧૨૦(બી)ના ગુનામાં તકસીરવાન ઠેરવી તમામ આરોપીઓને આજીવન કેદની સજા અને દરેક આરોપીને રૂ.૨૧,૦૦૦નો દંડ કરતો હુકમ કર્યો હોવાનું સરકારી વકીલ દિપક પુરોહિતે જણાવ્યું હતું.