યુવતીને ૧૮ દિવસ સુધી ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ
રાજકોટ, બોટાદ જિલ્લામાં એક ૨૦ વર્ષીય યુવતી જે ડોક્ટર બનવાના સપના જાેઈ રહી હતી અને મેડિકલનો અભ્યાસ કરવા માટે તૈયારી કરી રહી હતી તેના પર ત્રણ આરોપીઓ દ્વારા કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ મળી છે. આ ત્રણેય વ્યક્તિએ બોટાદમાં એક ફાર્મ હાઉસમાં યુવતીને ૧૮ દિવસ સુધી ગોંધી રાખી હતી અને તેના પર પાશવી અત્યાચાર ગુજાર્યો હતો.
યુવતીએ વિજ્ઞાન પ્રવાહમાં બારમા ધોરણમાં સારા માર્ક્સ મેળવ્યા હતા અને પરીક્ષાની તૈયારી કરી રહી હતી. ટોચના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે યુવતી રાજકોટમાં અભ્યાસ કરતી હતી પરંતુ અવારનવાર તેના વતન બોટાદ જિલ્લામાં આવતી હતી. આ દરમિયાન તેનો સંપર્ક ત્રણમાંથી એક આરોપી ઈન્દ્રજીત ખાચર સાથે થયો હતો.
મિત્રતા બાદ ગત ૯ ડિસેમ્બરે યુવતી ઈન્દ્રજીતના ફાર્મ હાઉસ પર ગઈ હતી જ્યાં તેના બે મિત્રો જયવીર ખાચર અને સત્યજીત ખાચર પણ હાજર હતા. અહીં દારૂ પીધા બાદ ત્રણેય વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જીડી કાલિયાએ જણાવ્યું કે ત્રણેયએ છોકરીને ૧૮ દિવસ સુધી ફાર્મ હાઉસમાં ગોંધી રાખી અને તેના પર ગેંગરેપ કર્યો હતો.
જ્યારે યુવતીએ પોતાને મુક્ત કરવા વિનંતી કરી, ત્યારે તેઓએ યુવતીને માર પણ માર્યો હતો. જે બાદ ૨૬ ડિસેમ્બરના રોજ આરોપીઓએ એ શરતે યુવતીને જવા દેવાની તૈયારી દર્શાવી કે તેણી પોતાના ઘરે નહીં જાય અને તેના બદલે રાજકોટ જશે. તેમજ જાે યુવતી આ અમાનુષી અત્યાચાર અંગે કોઈને જણાવશે તો તેઓ તેના માતાપિતા અને બહેનને મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ ત્રણેય આરોપીઓ યુવતીને જામનગર જવા માટે બસમાં બેસાડવા માટે જસદણ લઈ ગયા હતા. કારણ કે યુવતીએ એમ જણાવ્યું હતું કે તે જામનગર જશે જ્યાં તેના સંબંધી રહે છે. જે બાદ યુવતીએ પોતાના સંબંધીના ઘરે પહોંચી તેની સાથે બનેલી સમગ્ર ઘટના અંગે જણા્યું હતું. જેથી તેઓ ૨૭ ડિસેમ્બરે યુવતીને સરકારી જીજી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં યુવતીએ જામનગર બી-ડિવિઝન પોલીસને વિગતવાર નિવેદન આપ્યું હતું જે પછી પોલીસે સમગ્ર મામલે રાણપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને કેસ નોંધવામાં આવ્યો હતો.SSS