યુવતી છૂટાછેડા લીધા બાદ ફરી પૂર્વ પતિ સાથે ભાગી ગઈ
સુરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી-પ્રેમ લગ્ન-છૂટાછેડા-લીવઇન-અપહરણની ફિલ્મી કહાણી, પોલીસ યુવકની ફરિયાદ સાંભળીને માથું ખંજવાળવા લાગી
સુરત, સુરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિ સાથે પ્રેમ લગ્ન કરી અને છૂટાછેડા લેનારી મહિલા ફરીથી પૂર્વ પતિ સાથે રહેવા લાગતા તેનો પરિવાર અપહરણ કરી અને ઉઠાવી ગયો છે. અગાઉ ભાગીને પ્રેમલગ્ન કર્યા બાદ છૂટાછેડા લેનાર યુવતીની અન્યત્ર સગાઇ નક્કી થતાં ફરીથી પૂર્વ પતિ સાથે પાટણથી સુરત ભાગી આવી હતી .
દરમિયાન યુવકના પિતા અને યુવતીના ભાઇએ સંબંધીઓ સાથે મળી સુરત આવી કતારગામથી યુવતીને કારમાં ઉપાડી જતા પોલીસ દોડતી થઇ ગઇ હતી . જાેકે પોલીસે યુવતીને પરિવારના અપહરણ કરતા પ્રેમી યુવાને ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
બનાવની વિગત એવી છે સુરતના કતારગામ પોલીસને ગતરોજ એક યુવતીના અપહરણ ની ફરિયાદ મળતા પોલીસ દોડતી થઇ હતી. જાેકે પોલીસે યુવતીને છોડાવી લીધી હતી અને આ મામલે તપાસ શરૂ કરી ત્યારે પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હત. સુરતના કતારગામમાં ધ્રુવ તારક સોસાયટી ખાતે રહેતા અને મૂળ પાટણ ના સિદ્ધપુર ના વતન એવા હરખાજી ઉર્ફે લાલો રામચંદજી ઠાકોર હીરાના કારખાનામાં નોકરી કરે છે.
દોઢ વર્ષ પહેલાં હરખાજી વતન ગયો હતો ત્યારે ગામની જ સંગીતા ઠાકોર નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોય બંને જણા ભાગી ગયાં હતાં. પાટણ ખાતે કોર્ટ મેરેજ કરી સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. ત્યારબાદ છ માસ બાદ તેઓ ઉત્રાણ ખાતે રહેવા ગયા હતા . ને થોડા સમય બાદ બંનેએ મરજીથી છૂટાછેડા લઇ લીધા હતા.
તે સમયે બંનેના પરિવારજનોએ હરખાજીને છ માસ સુધી ગામમાં પ્રવેશવા પર પાબંધી ફરમાવી હતી. દરમિયાન હરખાજી ઉત્રાણ ખાતે સુમન મંદિર આવાસમાં રહેતો થઇ ગયો હતો . બે માસ પહેલાં સંગીતાએ હરખાજીને કોલ કરી પરિવારે મરજી વિરુદ્ધ અન્યત્ર સગાઇ નક્કી કરી હોવાની અને તેણીને છોકરો નાપસંદ હોવાની વાત કરી હતી.
જેથી હરખાજી ચોરી છૂપીથી વતન ગયો હતો અને એક ખેતરના રૂમમાં રોકાઇ મધરાત્રે ૩ વાગ્યે સંગીતાને મહેસાણા ભગાડી ગયો હતો અને ત્યાંથી બસમાં બેસી તેઓ સુરત આવ્યા હતા. દરમિયાન છેલ્લા વીસ દિવસથી તેઓ કતારગામની ધ્રુવતારક સોસાયટીમાં રહેતા હતા .ગતરોજ સવારે ૮ વાગ્યે સંગીતાનો ભાઇ અર્જુન , દાદજી ઠાકોર , હરખાજીના પિતા રામચંદ્રજી વગેરે ધસી આવ્યા હતા. ઝપાઝપી કરી હરખાજીને માર માર્યા બાદ બળજબરી કરી તેઓ સંગીતાને કારમાં ઉપાડી ગયા હતા.