યુવતી પિયરમાં રહેવા આવીને સાસરિયાંએ તેડી જવાનો ઈન્કાર કરતાં ફરિયાદ નોંધાઈ.
યુવતી પિયરમાં હતી ત્યારે તેને ખબર પડી કે તે ગર્ભવતી છે ઃ પિયરમાં દીકરાને જન્મ આપ્યો
અમદાવાદ,પિયરમાં રહેવા માટે આવેલી યુવતીને સાસરિયા પરત નહીં લઈ જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. યુવતી જ્યારે પિયરમાં રહેવા માટે આવી ત્યારે તેને જાણ થઈ કે તે ગર્ભવતી છે. યુવતીએ ગર્ભવતી હોવાનું સાસરિયાને કહ્યું છતાંય તે તેડવા માટે ન આવ્યા અને અંતે તેણે પિયરમાં દિકરાને જન્મ આપ્યો હતો. દિકરો અઢી મહિનાનો થઈ ગયો પણ સાસરિયાનો કોઈ સભ્ય ન આવતા અંતે યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.
વેજલપુર વિસ્તારમાં રહેતી મીના (નામ બદલ્યું છે)એ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ કેતન, સસરા દશરથભાઈ, સાસુ શારદાબેન અને નણંદ દક્ષા વિરૂદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ કરી છે. મીનાના લગ્ન વર્ષ ર૦૧૯માં આણંદમાં રહેતા કેતન સાથે સામાજિક રીત રિવાજ મુજબ થયા છે. મીનાને ત્રણ બાળકો છે જેમાં સૌથી મોટી દીકરી ચાર વર્ષની છે, દીકરો એક વર્ષનો છે જ્યારે ત્રીજો દિકરો અઢી મહિનાનો છે. છેલ્લા એક વર્ષથી મીનાને કેતન સાથે મનમેળ ન આવતા તે તેના માતા પિતાના ઘરે વેજલપુર ખાતે રહે છે.
લગ્ન બાદ મીના સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના બેમહિના સુધી સાસરિયાએ મીનાને સારી રીતે રાખ્યા બાદ હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. સાસુ-સસરા નાનો મોટો વાંક કાઢીને મીનાને મહેણાં ટોણાં મારીને ઝઘડો કરતાં હતા જ્યારે મીના કેતનને સાસુ-સસરાની હકીકત કહે તો તે પણ ઝઘડો કરતો હતો. કેતન અનેક વખત મીના સાથે મારઝૂડ પણ કરતો હતો. વર્ષ ર૦ર૧માં મીનાની નણંદ રહેવા માટે આવી હતી જ્યાં તેણે પણ વાંક કાઢીને બબાલ કરવાની શરૂ કરી દીધી હતી.
મીનાને ઘરમાં કંકાસ કરવો ન ગમતો હોવાથી તે મૂંગા મોંએ બધુ સહન કરતી હતી. મીના ચૂપચાપ સહન કરતી હતી જેનો ફાયદો સાસરિયાએ ઉપાડયો હતો અને વધુ હેરાન કરવા લાગ્યા હતા. મીનાએ તેના પિતાને ફોન કરીને જાણ કરી હતી જેમાં તેમણે પણ બધુ સારું થઈ જશે થોડા દિવસ શાંતિ રાખ તેમ કહ્યું હતું. ૧૦ ડિસેમ્બર ર૦ર૩ના દિવસે મીનાએ કેતન તેમજ સાસુ સસરાને કહ્યું હતું કે, મારે વાતાવરણ બદલવા મારા પિયર જવું છે. સાસરિયા મીનાની વાત સાથે સહમત થઈ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે તારે પિતાના ઘરે રોકાવવા જવું હોય તો જામ, પરંતુ ૧પ દિવસથી વધુ ના રોકાતી.
મીના કાંઈ બોલે તે પહેલાં સાસરિયાએ તેની સાથે મારઝૂડ કરી હતી. મીનાએ તેના પિતાને જાણ કરી દીધી હતી જેથી તે તેને તેડવા માટે આણંદ આવ્યા હતા. પિયરમાં એક મહિનો રોકાયા બાદ મીનાને ખબર પડી હતી કે તે ગર્ભવતી છે. મીનાએ તરત જ સાસરિયાને તેડી જવાની જાણ કરી દીધી હતી પરંતુ સાસરિયાનો કોઈ સભ્ય મીનાને તેડવા માટે આવ્યો નહીં અને સમાધાન પણ કર્યું નહીં. મીનાએ પિયરમાં દિકરાને જન્મ આપ્યો પરંતુ સાસરિયા તેને જોવા માટે પણ આવ્યા નહીં જેથી અંતે તેણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. મીનાની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.