યુવરાજસિંહે જાહેર કરેલી કાર તો મળી પરંતુ માલિક ગાયબ
ગાંધીનગર, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું હિંમતનગર તાલુકામાંથી પેપર લીક થયાનો સનસનીખેજ આક્ષેપ થયા બાદ જાહેર કરાયેલી વિગતો અંતર્ગત આક્ષેપિતો ગાયબ છે પોતે ભૂગર્ભમાં ઉતરી ગયા છે કે પોલીસ લઇ ગઇ છે તે બાબતે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે બીજી બાજુ પોલીસ મગનુ નામ મરી પાડવા તૈયાર નથી.
સોમવાર સાંજથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવીવારે લેવાયેલ હેડક્લાર્કની પરીક્ષાનુ પેપર આગલા દિવસે જ લીક થઇ ગયાનો આક્ષેપ થયા બાદ ગાંધીનગર અને સાબરકાંઠાની પોલીસ દોડતી થઇ છે. તો બીજી બાજુ જે ગાડીમાં પેપર લઇ જવાયા તે ગાડીના માલિક ગાયબ થઇ ગયા છે. બુધવારે સાંજે આપના યુવરાજસિંહે ગાડીઓના નંબર અને હિંમતનગર તાલુકાના હમીરગઢનો ઉલ્લેખ કરી પોલીસને જાણકારી આપી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
યુવરાજસિંહે જાહેર કરેલા વાહન નંબરોના માલિકો પણ અચાનક ગાયબ થઇ ગયા છે. આ સાથે હમીરગઢના દંપતી પણ ગાયબ થઇ ગયા છે. આક્ષેપ બાદ સાંજે તેમના ઘરે પણ કોઇ હતુ નહીં. જેની સામે આરોપ લગાવવામાં આવ્યા છે તે બધા લોકો ભૂગર્ભમાં જતા રહ્યાં હોવ તેવું લાગી રહ્યું છે.
યુવરાજસિંહ જાડેજાએ પેપર લીક પ્રકરણમાં બુધવારે સાંજે વાહનોના નંબર જાહેર કર્યા હતા. હિંમતનગરના બાયપાસ રોડ પર બિનવારસી હાલતમાં ઇનોવા કાર નંબર જીજે-૧-એચઆર-૯૦૦૫ હિંમતનગર આરટીઓ પાસેના શોરૂમ નજીક ખુલ્લામાં પડી રહેલી મળી આવી હતી. જાેકે, તપાસમાં ગેરેજ માલિકે લાંબા સમયથી ઇનોવા અહીં જ પડી હોવાનું જણાવ્યું હતું.
જે પરીક્ષાનું પેપર ફુટયાની ફરિયાદ ઉઠી છે તે ગૌણ સેવા પસંદગી મંડળની હેડકલાર્કની પરીક્ષા ૬૦ ટકાથી વધારે ઉમેદવારે એટલે કે ૧.૫૪ લાખ ઉમેદવારે આપી જ નથી.ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ નોંધાયેલા ૨.૪૦ લાખથી વધારે ઉમેદવારોમાંથી ૮૮ હજાર ઉમેદવારે પરીક્ષા આપી હતી.
રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ ગુજરાત ગૌણ પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હજી સુધી અમને કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ પ્રાપ્ત થઈ નથી. અસિત વોરાના જણાવ્યા અનુસાર, આ આક્ષેપોને લઇને પોલીસની લગભગ ૧૬ ટીમો તપાસ કરી રહી છે.
ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠા, હિંમતનગર જેવા તમામ વિસ્તારોમાં અને અલગ-અલગ જિલ્લાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં ૭થી વધુ લોકોની શંકાને આધારે અટકાયત પણ કરવામાં આવી છે. સરકારને હજું પેપર લીક થયું છે કે નથી થયું તે બાબતે ખાતરી નથી તેમ છતાં પસંદગી સેવા મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાની આન્સર કી લોક કરી દેવામાં આવી છે. અસિત વોરા દ્વારા આ સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ આન્સર કી જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.SSS