યુવાને પત્ની-મામાજીની છરીના ઘા ઝીંકી હત્યા કરી
રાજકોટ: રાજકોટમાં રૂખડિયા ફાટક નજીક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડીયા કોલોનીમાં યુવાન ઇમરાન પઠાણે પત્ની, તેના મામા અને સાસુને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં પત્ની અને તેના મામાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સાસુને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ઘરકંકાસને કારણે હત્યા થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકોમાં નાજીયા બેન ઇમરાન ભાઈ પઠાણ અને નઝીર પઠાણનો સમાવેશ થાય છે. હત્યા કરનાર ઇમરાન પઠાણે બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ઇમરાન પઠાણને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઇમરાનની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. બાળકોની કસ્ટડી લેવાના કેસનો ખાર રાખીને લોહિયાળ ખેલ ખેલાયો છે. આ ઘટના પછી પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને ઘરકંકાસમાં હત્યા કર્યાનું ખુલ્યું છે.