યુવાનો મસ્તી કરવા ભેગા થયા: મશ્કરીએ ઉગ્ર સ્વરૂપ લેતાં મિત્રએ મિત્રની હત્યા કરી
મસ્તીએ થોડીવારમાં તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હાજર પાંચ ઈસમોએ પ્રથમ બોલાચાલી કરી હતીગાંધીનગર,
મોરબીના હળવદના જીઆઈડીસી વિસ્તારમાં મિત્રના હાથે જ મિત્રની હત્યા થઇ હોવોની ઘટના સામે આવી છે. જે બાદ પોલીસે પાંચ યુવાનો પૈકી બે શકમંદની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
હાલ મૃતક યુવાન અવેશ જંગિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આશાસ્પદ અને કમાનાર યુવાનની હત્યા થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મોરબીના હળવદ ખાતે યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે.
જેમાં હળવદ જીઆઈડીસી નજીક આવેલી પાનની દુકાને મોડી સાંજે મૃતક યુવાન અવેશ જંગિયા, આરીફ જામ, હૈદર મોવર, કાસમ ઈસા કાજડિયા, અબ્દુલ ઇસા કાજડિયા, ગફુર ઇસા કાજડિયા સહિતના મિત્રો ભેગા થઇને મસ્તી કરતા હતા. આ મસ્તીએ થોડીવારમાં તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હાજર પાંચ ઈસમોએ પ્રથમ બોલાચાલી કરી હતી.
જે બાદ અવેશ કાસમભાઇ જંગિયા (મીયાણા) ઉ.૨૦ નામના યુવાનને માથાનાં ભાગે ધોકો અને છરી મારી દીધી હતી. જે બાદ ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ હળવદ અને બાદમાં મોરબી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાેકે, યુવાનને સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટયો હતો. બાદમાં મૃતદેહને મોરબી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
આ બનાવ અંગે હળવદ પોલીસે મોરબી સિવિલ હૉસ્પિટલ ખાતે તપાસ અર્થે આવી તપાસ શરૂ કરી છે. સાથે જ આ બનાવમાં સંડોવણી ધરાવતા બે ઈસમોને શંકાના દાયરામાં લઈને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ પરિવારજનોના જણાવ્યા અનુસાર, યુવાન મજૂરી કામ કરતો હતો.
આ આશાસ્પદ યુવાનનું અકાળે મોત નિપજતા સામાન્ય પરિવાર પર પણ ભારે વિપદા આવી પડી છે. હાલ આ મામલે હળવદ પીઆઈ દેકાવડીયાની ટીમે ગુનો નોંધવા અને હત્યામાં વપરાયેલ શસ્ત્રો કબ્જે કરવા તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હળવદ પોલીસે હાથ ધરી છે.