યુવા પેઢીને જાણકારી સાથે પ્રેરણા આપતું ચિત્ર પ્રદર્શન જન-જનમાં નવી ઉર્જાનો સંચાર કરશેઃ દેવુસિંહ ચૌહાણ
નડિયાદ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે ચિત્ર પ્રદર્શનનું સાંસદશ્રીના હસ્તે થયું ઉદ્ધાટન
ભારત દેશ 2047માં તેના 100મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરે ત્યારે આપણું કલ્પનાનું ભારત કેવું હોય અને એ સમયનું આપણું વિકસિત રાષ્ટ્ર દરેક ક્ષેત્રમાં વિશ્વમાં અગ્રેસર હોય તે માટે દેશનાં પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપવાની ભાવનાને પેદા કરવા માટે આઝાદીના અમૃત મહોત્સવનું દેશવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષ 2022ના 15મી ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિનના 75 અઠવાડિયા પહેલા શરુ થયેલ આ ઉજવણીનો ઉદ્દેશ્ય દેશના જન-જનને આ મહોત્સવ સાથે જોડવાનો છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરુપે નડિયાદ ખાતે આયોજીત થયેલ આ ચિત્ર પ્રદર્શન એ ખાસ તો યુવાપેઢીને જાણકારી સાથે પ્રેરણા પૂરી પાડશે.
એટલું જ નહીં દુર્લભ કહી શકાય તેવા સ્વાતંત્ર્ય સંગ્રામના અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ચિત્રોને નિહાળવાની સાથે તેની જાણકારી મેળવીને જન-જનમાં એક નવી જ ઉર્જાનો સંચાર થશે. નડિયાદ ખાતે સંતરામ મંદિરના ચોગાનમાં આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે આયોજીત ચિત્ર પ્રદર્શનના ઉદધાટન સમારોહમાં ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે આ વાત કહી હતી.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, અમદાવાદ અને ગુજરાત રાજ્ય માહિતી ખાતુ, ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે આયોજીત ચિત્ર પ્રદર્શનને ખેડા જિલ્લાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલયના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલે જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ વિષયને લઇને તૈયાર કરેલા આ ચિત્ર પ્રદર્શનમાં આઝાદી માટેના સંધર્ષના મુખ્ય સીમાચિન્હો જેવાંકે અસહકારનું આંદોલન, સવિનય કાનુનભંગ, દાંડીકૂચ, ભારત છોડો આંદોલન વગેરે આઝાદીની ચળવળો તેમજ મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવાં આઝાદીના ચળવળમાં ભાગ લેનાર અને દેશને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન દેનાર એ સ્વાતંત્ર સેનાનીઓ, રાષ્ટ્રિય નેતાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યાં છે.
ઉદધાટન સમારોહમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય માહિતી ખાતુ, ગાંધીનગરના નાયબ માહિતી નિયામક શ્રી હિરેન ભટ્ટે જણાવ્યું હતું કે 91 વર્ષ પહેલા 12મી માર્ચથી શરુ થયેલ દાંડીયાત્રા 15મી માર્ચના રોજ નડિયાદ મુકામે પહોચીં હતી અને અહીં રાત્રિ રોકાણ કર્યું હતું.
મહાત્મા ગાંધીજી સહિત એ તમામ દાંડીયાત્રીઓએ જે ભૂમિ પણ રાત્રિ રોકાણ કર્યું હતું એજ નડિયાદની ભૂમિ પર એ દાંડીયાત્રા અને સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક પ્રસંગોને ચિત્રના માધ્યમથી જીવંત કરતાં ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અને વર્તમાન સમયમાં શરુ થયેલ દાંડીયાત્રાના યાત્રીઓ પણ નડિયાદ ખાતે 15 માર્ચે રાત્રિ રોકાણ કરશે અને આ પ્રદર્શનને પણ નિહાળશે.
વધુમાં તેમણે નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લાના વધુને વધુ લોકો આ ચિત્ર પ્રદર્શનને નિહાળે તે માટે તેનો બહોળો પ્રચાર કરવા મીડિયાકર્મીઓને અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ચિત્ર પ્રદર્શન 14 માર્ચ બપોરે 12.30 કલાકથી સાંજના 6.00 કલાક સુધી અને ત્યારબાદ તારીખ 15 અને 16 ના રોજ સવારે 10.00 થી સાંજના 06.00 કલાક સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્લુ રાખવામાં આવશે.