યુસુફ પઠાણે ૪૦ બોલમાં ૮૦ રન ફટકાર્યા
મુંબઇ, લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઈન્ડિયા મહારાજા અને એશિયા લાયન્સ વચ્ચેની પ્રથમ મેચ ઈન્ડિયા મહારાજાએ ૬ વિકેટે જીતી લીધી હતી.
ઈન્ડિયા મહારાજા માટે આ જીતનો હીરો યુસુફ પઠાણ હતો, જેણે શાનદાર બેટિંગ કરતા ૪૦ બોલમાં ૮૦ રન બનાવ્યા હતા. આ વિસ્ફોટક ઇનિંગ દરમિયાન યુસુફ પઠાણે ૫ સિક્સર અને ૯ ફોર ફટકારી હતી. એશિયા લાયન્સ સામેની આ જીતમાં યુસુફ પઠાણ ઉપરાંત તેના નાના ભાઈ ઈરફાન પઠાણે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇરફાન પઠાણે ૧૦ બોલમાં ૨૧ રનની ઇનિંગ રમી તો બોલિંગમાં પણ તેણે ૪ ઓવરનાં ક્વોટામાં ૨૨ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી.
પ્રથમ સીઝન મસ્કત, ઓમાનમાં રમાઈ રહી છે. તેની શરૂઆત ૨૦ જાન્યુઆરી ગુરુવારે થઈ હતી. પ્રથમ મેચમાં, ઈન્ડિયા મહારાજાએ પાકિસ્તાનનાં મિસ્બાહ-ઉલ-હકની આગેવાની હેઠળની એશિયા લાયન્સને ૬ વિકેટે કચડી નાખ્યું હતું. ઈન્ડિયા મહારાજા પાસે ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટરો છે જ્યારે એશિયા લાયન્સ પાસે પાકિસ્તાન અને શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટરો છે.
પ્રથમ બેટિંગ કરતા એશિયા લાયન્સે ૨૦ ઓવરમાં ૧૭૫ રન બનાવ્યા હતા, જે ઈન્ડિયા મહારાજાએ યુસુફ પઠાણની ધમાકેદાર ઇનિંગનાં આધારે ૫ બોલ પહેલા હાસલ કરી લીધા હતા. ઈન્ડિયા મહારાજ માટે યુસુફ પઠાણે ૪૦ બોલમાં ૮૦ રન ફટકારીને મેચ પોતાની ટીમ તરફી કરી દીધી હતી. યુસુફ પઠાણે માત્ર ૨૮ બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં ૫ સિક્સ અને ૯ ફોર ફટકારી હતી.
નમન ઓઝાએ ૧૯ બોલમાં ૨૦ રન બનાવ્યા હતા. એક સમયે ઈન્ડિયા મહારાજાનો સ્કોર ૬.૧ ઓવરમાં ૩ વિકેટે ૩૪ રન હતો પરંતુ તે પછી મોહમ્મદ કૈફ અને યુસુફ પઠાણે શાનદાર સદીની ભાગીદારી કરી હતી. યુસુફ સિવાય કેપ્ટન મોહમ્મદ કૈફે ૩૭ બોલમાં ૪૨ રનની ઇનિંગ રમી હતી.
આ પહેલા ઈન્ડિયા મહારાજાનાં કેપ્ટન મોહમ્મદ કૈફે ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. એશિયા લાયન્સની ટીમે ઈન્ડિયા મહારાજા સામે ૧૭૬ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. એશિયા લાયન્સે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૭૫ રન બનાવ્યા હતા.
એશિયન ટીમ માટે શ્રીલંકાનાં પૂર્વ ઓપનર ઉપુલ થરંગાએ ૪૬ બોલમાં ૬૬ રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન મિસ્બાહ-ઉલ-હક ૩૦ બોલમાં ૪૪ રન બનાવીને આઉટ થયો હતો. કામરાન અકમલે પણ ૨૫ રનની ઇનિંગ રમી હતી. વળી, ઈન્ડિયા મહારાજા તરફથી મનપ્રીત ગોનીએ ત્રણ, ઈરફાન પઠાણે બે, સ્ટુઅર્ટ બિન્ની અને મુનાફ પટેલે એક-એક વિકેટ લીધી હતી.HS