યુ.એન. મહેતા હોસ્પિટલથી રાજ્યભરમાં “ટેલી કાર્ડિયોલોજી” સેવાનો પ્રારંભ
કોરોનાકાળમાં પી.પી.ઇ.કીટ માં સજ્જ હેલ્થકેર વર્કર્સની રાઉન્ડ ધ ક્લોક દર્દીઓ માટેની સેવાના પરિણામે જ આજે રાજયમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે: સરકાર કોરોનામાં ઉતીર્ણ થઇ છે – શ્રી ઋષિકેશભાઇ પટેલ
હ્યદયરોગની સારવારમાં ઉપલબ્ધ એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટ, બાયપાસ જેવી આરોગ્ય વિષયક સુવિધાઓ દર્દીઓ માટે આરોગ્ય સંજીવની – શ્રી નિમિષાબેન સુથાર
અમદાવાદ સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે “વિશ્વ હ્યદય દિવસ” ની ઉજવણી પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે ઉપસ્થિત તમામ લોકોને હ્યદય દિવસની શુભકામનાઓ પાઠવતા સરકારના દ્વાર “દિલથી” તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ખુલ્લા હોવાનું કહ્યું હતુ.
આરોગ્ય મંત્રી શ્રી એ આ પ્રસંગે જણાવ્યું કે, યુ.એન.મહેતા હોસ્પિટલે રાજ્ય જ નહીં પરંતુ દેશભરમાં હ્યદય સંબંધિત રોગોની સારવાર ક્ષેત્રે માઇલસ્ટોન પ્રસ્થાપિત કર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ યુ.એન.મહેતા હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ અને સારવારની સરાહના કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ આ પ્રસંગે PMJAY-MA યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. દેશભરમાં આ યોજનાની અસરકારક અમલવારી ભારતને વિશ્વ ગુરુ બનવા તરફનો માર્ગ કંડાર્યો છે.
કોરોના મહામારીમાં પી.પી.ઇ. કિટથી સજ્જ થઇ તબીબોએ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી છે જેને બિરદાવતા મંત્રી શ્રી એ કહ્યું હતુ કે, તબીબોના અથાગ પરિશ્રમ અને દરિદ્રનારાયણની સેવા-સુશ્રુષા માટેની કટિબધ્ધતાના પરિણામે જ આજે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. જે સૂચવે છે કે કોરોના કાળમાં સરકાર નાપાસ નહીં પરંતુ પાસ થઈ છે.
કોરોનાકાળમાં સિવિલ મેડિસિટી દ્વારા ફક્ત ભારત દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે કોરોનાની ઉત્તમ કામગીરીનું ઉદાહરણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.
આજે યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે થી રાજ્યભરમાં શરૂ થયેલ ટેલીકાર્ડિયોલોજી સેવા રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી નાગરિકોને,દર્દીઓને ઘરે બેઠા આરોગ્યવિષયક સેવા ઉપલબ્ધ કરાવશે તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી શ્રી નિમીષાબેન સુથારે “વિશ્વ હ્યદય દિન” પ્રસંગે કહ્યું હતુ કે, વિશ્વ હ્યદય દિનની વિશ્વ ભરમાં ઉજવણી થકી લોકોમાં હ્યદયની સારસંભાળ પ્રત્યે જાગૃકતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે.
તેઓએ આ પ્રસંગે પ્રવર્તમાન જીવનશૈલી દ્વારા ધણા વ્યક્તિઓ તણાવયુક્ત જીવન પસાર કરતા હોવાથી નાની વયે હ્યદયરોગ સંબંધિત બિમારી અથવા હ્યદયરોગ પરના હુમલાનો શિકાર બનતા હોવાનું જણાવી નાગરિકોને તેનાથી બચવા નિયમિત રીતે કસરત કરવા અને જીવનશૈલીમાં સુધાર લાવવાનું સૂચન કર્યું હતુ. આ સંદર્ભે તેઓએ હ્યદયરોગની સારવારમાં એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટ, બાયપેસ જેવી આરોગ્ય વિષયક સેવાઓ, સુવિધાઓ દર્દીઓ માટે આરોગ્ય સંજીવની હોવાનું પણ કહ્યું હતુ.
રાજ્ય સરકાર દ્વારા નાની વયના અથવા બાળ હ્યદયરોગ સંબંધિત બાળકોની દરકાર કરીને “શાળા આરોગ્ય કાર્યક્રમ” અને “અટલ સ્નેહ યોજના” દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતુ.
આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી શ્રી ના હસ્તે રાજ્ય ભરમાં ટેલીકાર્ડિયોલોજી સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. યુ.એન.મહેતા હોસ્પિટલના હાર્ટ ટૂડે ન્યુઝ બુલેટિનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
યુ.એન.મહેતા હોસ્પિટલમાં વિશ્વ હ્યદય દિવસની ઉજવણી પ્રસંગે સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમાર, સ્થાનિક કાઉન્સીલરશ્રીઓ, આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી મનોજ અગ્રવાલ, યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી આર.કે.પટેલ, સિવિલ મેડિસીટીની અન્ય હોસ્પિટલના ડાયરેક્ટર અને ડીન શ્રીઓ અને મોટી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે રાજ્ય અને દેશભરમાંથી હજારો લોકો વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. -અમિતસિંહ ચૌહાણ