યે રિશ્તા ક્યા કહેલાતા હૈની અભિનેત્રી કાંચી સિંહને કોરોના
મુંબઈ: અત્યારે લગભગ આખા દેશમાં ફરી એકવાર કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ટીવી અને ફિલ્મની દુનિયામાંથી પણ અનેક સેલેબ્સ કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલથી પ્રસિદ્ધિ મેળવનાર અભિનેત્રિ કાંચી સિંહે પણ પોતે કોરોનાથી સંક્રમિત હોવાની જાણકારી ફેન્સ સાથે શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે કાંચી ભોપાલમાં બોલિવૂડ ફિલ્મ માટે શૂટિંગ કરી રહી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી કાંચીએ પોતાના મિત્રો અને પ્રશંસકોને જણાવ્યું કે, દુર્ભાગ્યવશ મારો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું અત્યારે ઘરમાં જ આઈસોલેશનમાં છું તેમજ તમામ સેફ્ટી પ્રોટોકોલ્સનું પાલન કરી રહી છું.
તમે પણ પોતાનું ધ્યાન રાખો, સુરક્ષિત રહો અને કામ વિના બહાર જવાનું ટાળો. ઘરમાં રહીને વાયરસ સામે લડવાનો અને એકજૂટ થવાનો સમય આવી ગયો છે. કાંચી લાંબા સમયથી ટેલીવીઝનની દુનિયાથી દૂર રહી હતી અને આખરે તેને બોલિવૂડમાં ડેબ્યુ કરવાની તક મળી ગઈ છે.
કાંચી વહેલી તકે સાજી થઈને શૂટ પર ફરીથી જવા માંગે છે. આ પહેલા તેણે પોતાના બોલિવૂડ ડેબ્યુ વિશે જણાવ્યુ હતું કે, એક્ટર બનવા માંગતી પ્રત્યેક વ્યક્તિ મૂવી સ્ટાર બનવાની ઈચ્છા ધરાવતી હોય છે. અને મારું પણ આ જ લક્ષ્ય હતું. હું ટીવી સ્ટાર છું પણ હવે હું મારી બોલિવૂડની જર્ની શરૂ કરવા માટે તૈયાર છું. પરંતુ જાે ટીવીમાં કોઈ સારું કામ મળશે તો હું ચોક્કસપણે કરીશ કારણકે આજે હું જે પણ છું તે ટીવી ઈન્ડસ્ટ્રીના કારણે છું.