યોગી આદિત્યનાથની સંપત્તિ ૬૧ ટકા તો અખિલેશ યાદવની સંપત્તિ ૩ર૭ ટકા વધી!!
(એજન્સી) લખનૌ, ઉત્તર પ્રદેશમાં વિધાન સભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૧૦મી ફેબ્રુઆરીના રોજ યોજનાર છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગોરખપુરથી જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ કરહલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
બંન્નેએે તેમની વિધાન સભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં બિડાયેલા સોંગંદનામામાં તેમની સંપત્તિ અને તેમના પર થયેલા ક્રિમીનલ કેસની માહિતી પણ આપવામાં આવી છે. તે અનુસાર યોગીની સંપતિમાં ૧.પ૪ કરોડ જ્યારે અખિલેશ યાદવની સંપત્તિમાં ૪૦.૧૪ કરોડનો ઉલ્લેખ કરાયો છે. સીએમ યોગી આદિત્યનાથ પર એક પણ ક્રિમીનલ કેસ નોંધાયેલો નથી, જ્યારે અખિલેશ યાદવ સામે ત્રણ ક્રિમીનલ કેસ નોંધાયેલા છે.
મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન યોગીની સંપત્તિમાં અંદાજે ૬૦ લાખ રૂપિયાનો વધારો થયો છે. જે ૬૧ ટકા જેટલી વધી ગઈ છે. વર્ષ ર૦૧૭માં વિધાન સભા ચૂંટણીના ઉમેદવારી પત્રમાં તેમણે તેમની સંપત્તિ ૯પ.૯૮ લાખ રૂપિયા દર્શાવી હતી. જ્યારે અખિલેશ વર્ષ ર૦૧રથી ર૦૧૭ સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા ત્યારે તેમની સંપત્તિ રૂા.૮.૮૪ કરોડ હતી.
ત્યારબાદ વર્ષ ર૦૧૯માં તેઓ આઝમગઢથી ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમણે તેમની સંપત્તિ ૩૭.૭૮ કરોડ દર્શાવી હતી. આમ, છેલ્લા સાત વર્ષ દરમ્યાન અખિલેશની સંપત્તિમાં ૩ર૭ ટકાનો વધારો થયો છે. યોગી આદિત્યનાથે તેમની પાસે રૂા.૧ર,૦૦૦નો સેમસૃગ મોબાઈલ અને રૂા.એક લાખની રિવોલ્વર તેમજ રૂા.૮૦ હજારની રાઈફલ હોવાનો ઉલ્લેખ કર્યો છે. યોગી આદિત્યનાથ વર્ષ ૧૯૯૮માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા.