યોગી સરકારને સુપ્રીમની ટકોર : દુબે જેવુ એન્કાઉન્ટર ફરી ના થાય તેનુ ધ્યાન રાખજો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/supreme-court.jpg)
નવી દિલ્હી, ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર ઉઠેલા સવાલો બાદ સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી છે. આજે વિકાસ દુબેના એન્કાઉન્ટર અને એ પહેલા કાનપુર જિલ્લામાં દુબે ગેંગ દ્વારા પોલીસ પર થયેલા હુમલામાં 8 પોલીસ કર્મીઓ શહીદ થવાની ઘટના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ટકોર કરતા કહ્યુ હતુ કે, સરકાર ધ્યાન રાખે કે આવી ઘટના ફરી ના બને. સુપ્રીમ કોર્ટનો ઈશારો દેખીતી રીતે વિકાસ દુબેના એન્કાઉન્ટર તરફ હતો. દરમિયાન કોર્ટે યુપી સરકારને એન્કાઉન્ટરની તપાસ બે મહિનામાં પુરી કરવાનો આદેશ આપ્યો છે. આજે યુપી સરકારના સોગંદનામાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. કોર્ટમાં રજૂ થયેલા વિકાસ દુબેના રેકોર્ડને જોયા બાદ સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ કે, દુબે પર આટલા ગુના દાખલ હોવા છતા તેને જામીન કેવી રીતે આપવામાં આવ્યા હતા.આ સિસ્ટમની નિષ્ફળતા છે. યુપી સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવી પડશે અને આ સરકારની ફરજ પણ છે.