યોગેશ ત્રિપાઠી દરોગા હપ્પુ સિંહના પાત્ર માટે શું કહ્યું?

ભારતીય ટેલિવિઝન પર અનેક આઈકોનિક પાત્રો ઘેર ઘેર ચર્ચિત નામ બની ગયાં છે અને આપણા મનમાં કાયમને માટે છાપ છોડી દીધી છે. આવું જ એક પાત્ર દરોગા હપ્પુ સિંહનું છે, જે એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં યોગેશ ત્રિપાઠી દ્વારા ભજવવામાં આવી રહ્યું છે.
પહેલા વાર તેણે પડદા પર મોજીલી મોટી ફાંદવાળા, ભ્રષ્ટ દરોગાનું પાત્ર ભાભીજી ઘર પે હૈમાં ભજવ્યું, જેણે દર્શકોને ખૂબ હસાવ્યા છે. આ પાત્ર તુરંત હિટ થઈ ગયું હતું અને દર્શકોનું ફેવરીટ બની ગયું છે, જેને લઈ યોગેશને હપ્પુ કી ઉલટન પલટનમાં પણ આ પાત્ર ભજવવા મળ્યું છે, જેમાં તે દરોગાની ફરજ ઉપરાંત પોતાના પરિવાર અને આખી પલટનની પણ દેખભાળ કરે છે.
કોમેડી ભજવવાનું આસાન લાગી શકે છે, પરંતુ ફેવરીટ આઈકોનિક પાત્ર બનાવવા માટે ભરપૂર મહેનત લાગેલી હોય છે. આ અભિનેતાને વિશાળ ટેલિવિઝન ઉદ્યોગમાં આવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ આખરે તેણે કામ મેળવી લીધું છે. બે લોકપ્રિય શો અને કામકાજના લાંબા કલાકો વચ્ચે સુમેળ સાધતાં આ અભિનેતાની બુંદેલખાંડી ભાષા પર મજબૂત પકડ આવી ગઈ છે.
ઉપરાંત તેનો આકર્ષક અજોડ લૂકમાં તેની મોટી ફાંદ તેના પાત્રમાં મોજીલું તત્ત્વ ઉમેરે છે. અભિનેતાએ હાલમાં જ આ પાત્ર પાછળની અસલી પ્રેરણા અને આ પાત્રની વિવિધ ખૂબીઓ ઉમેરવામાં મદદરૂપ થનાર તેના રંગમંચના શિક્ષક વિશે ખૂલીને વાતો કરી.
અભિનેતા યોગેશ ત્રિપાઠીએ જણાવ્યું કે, “હપ્પુનું પાત્ર મારી અભિનયની કારકિર્દીની રૂપરેખા છે અને મને તે ભજવવાનું ગમે છે. લાંબા સમય સુધી નકલી ફાંદ ધારણ કરીને શૂટિંગ કરવાનું કામ બહુ પડકારજનક છે, પરંતુ મને દર્શકો પાસેથી જે પ્રેમ અને સરાહના મળે છે તેનાથી આ પડકાર સહજ બની જાય છે.
બહુ ઓછા લોકો જાણે છે કે મારા પ્રેમચંદજી નામે શિક્ષક છે, જેઓ મારા રંગમંચના દિવસોમાં ખાસ કરીને મોટી ફાંદ ધરાવતા હતા અને તેમનું વર્તન પણ લાક્ષણિક હતું, જેમની સાથે મારા પાત્રની અમુક સામ્યતાઓ મળતી આવે છે. તે સમયે આવું જ પાત્ર મને ભજવવાનું આવશે એવું ક્યારેય વિચાર્યું નહોતું.
આથી મને હપ્પુનું પાત્ર ભજવવાની તક મળી ત્યારે મેં પાત્રના વર્તનનો અમુક હિસ્સો જીવંત કરવા માટે તેમની પરથી પ્રેરણા લીધી હતી. પ્રેમચંદજી હવે આ દુનિયામાં નથી, પરંતુ મેં મારા પાત્ર થકી તેમને જીવિત રાખ્યા છે.”