યોગ્ય સારવાર નહીં થતી હોવાનો વાઈરલ વીડિયો બનાવનાર રત્નકલાકારનું સારવાર દરમિયાન મોત !
સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ હોવાનાં કારણે દાખલ રત્નકલાકારે પુરતી સુવિધા અને સારવાર નહીં મળી રહી હોવાનાં આક્ષેપ સાથેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. કંઇક કરો નહી તો હું અહીં જ મરી જઇશ તેવા આક્ષેપો કરનારા રત્નકલાકારનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
રત્નકલાકારનું સવારે મોત નિપજ્યું છતા તંત્ર દ્વારા છેક સાંજે જાણ કરવામાં આવી હતી. જેના કારણે આ બાબતે પણ તંત્રનું રેઢીયાળ વલણ સામે આવ્યું છે. આ રત્નકલાકારે તેનાં ભાઇને હોસ્પિટલમાં અસહ્ય ગંદકી હોવાનું અને યોગ્ય સારવાર નહીં થતી હોવાનું જણાવ્યું હતું. આ વાતની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી. જેમાં દર્દીએ કોઈ પુછવા પણ નહી આવતું હોવાની કેફિયત આપી હતી. ડોક્ટર આવે છે અને દવા આપીને જતા રહે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેવું જણાવીએ તો ઊંધા સુઈ જવાની સલાહ આપવામાં આવે છે તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા.
જાે કે સુરતના પુણાગામની મુક્તિધામ સોસાયટીમાં રહેતા હરસુખ ભીખાભાઇ વાઘમસી (ઉં.વ ૩૮) મુળ અમરેલીનાં બોરડી ગામના વતની છે. તેઓ કોરોના સંક્રમિત થતા સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે તેમની પત્ની પુત્ર અને પુત્રીને તેઓ અગાઉ જ વતન મોકલી ચુક્યા હતા. હાલ તો ભીખાભાઇના પરિવારમાં હોસ્પિટલ તંત્ર સામે ખૂબ જ રોષ જાેવા મળી રહ્યો છે.