યોગ જાગરણ મહારેલી થકી નાગરિકને અપાશે સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવનનો સંદેશ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શ હૉલ ખાતે યોગ પર ચર્ચા અને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો
યોગ જાગરણ મહારેલીને જિલ્લા કલેક્ટરશ્રીએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
માહિતી બ્યુરો, પાટણ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ પર ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ જાગરણ મહારેલી યોજી નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવનનો સંદેશ અપાયો.
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના યોગમય ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજ રોજ યોગ પર ચર્ચા કાર્યક્રમ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી તેમજ યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીએ યોગ જાગરણ મહારેલીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતેથી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.
આ યોગ રેલી રેલ્વે ફાટક-પાલીકાબજાર-રેલ્વે સ્ટેશન-મહાત્મા ગાંધી સર્કલ-પ્રગતિ મેદાન-સુભાષ ચોક- બગવડા દરવાજા- જુનું બસ સ્ટેશન- આદર્શ રોડ- રેલ્વે ફાટક- ટી.બી.ત્રણ રસ્તા થઈ યોગ શિબિર ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહુતી કરવામાં આવી.
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાનો દરેક પરિવાર યોગ શિબિરમાં સામેલ થાય તેમજ યોગને આપની જિંદગીનો હિસ્સો બનાવીએ તેમજ યોગ રેલીમાં સામેલ થવા બદલ દરેકને અભિનંદન પાઠવ્યા હતા.
આ સાથે જ તા.08 મે, 2022ના રોજ સવારે 05.30થી 07.30 કલાક દરમ્યાન પાટણ શહેરના ટી.બી.ત્રણ રસ્તા પાસે આવેલા ઉપવન બંગ્લોઝની બાજુમાં યોગ શિબિર યોજાશે. જેમાં સહભાગી થવા નાગરિકોને આહવાન કર્યું હતું.
રાજ્યમાં યોગની પ્રવૃત્તિઓને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા અને જન જન સુધી યોગનો પ્રચાર કરવા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જિલ્લાના પ્રત્યેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા પ્રોત્સાહન આપવા આયોજીત આ યોગ શિબિરમાં ભાગ લેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શિશપાલજી તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું.