રક્ષાબંધનના દિવસે મલ્ટીપ્લેક્સમાં ભીડ, રસ્તાઓ પર ટ્રાફિક જામ, લોકો કોરોના ભુલ્યા
અમદાવાદ, છેલ્લા ૧૮ મહિનાથી કોરોના મહામારીનો સામનો કરી રહેલા મલ્ટીપ્લેક્સ માલિકો માટે રક્ષાબંધનનો પર્વ રાહતના સમાચાર લઈને આવ્યો છે. મલ્ટીપ્લેક્સમાં આવેલી નવી ફિલ્મો જાેવા અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો છે.
જેથી કહી શકાય કે, રક્ષાબંધનનો તહેવાર મલ્ટીપ્લેક્સના સંચાલકોને ફળ્યો છે. છેલ્લા ૩ દિવસથી સતત મલ્ટી પ્લેક્સમાં મુવી જાેવા આવતા શહેરીજનોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. કોરોનાની બીજી લહેરમાં સરકારની ગાઈડલાઈન મુજબ ૬૦ ટકા કેપેસિટી સાથે મલ્ટીપ્લેક્સ શરૂ કરવામાં આવ્યા હતા.
પરંતુ તેના બાદ આંગળીના વેઢે ગણાય તેટલા ગ્રાહકો જ આવતા હતા. પરંતુ છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો સતત ૫૦૦ જેટલા શહેરીજનો જુદા જુદા શોમાં ગ્રાહકો જાેવા મળી રહ્યાં છે. તાજેતરમાં અક્ષય કુમારની આવેલી નવી ફિલ્મ બેલબોટમ ફિલ્મ જાેવા નાગરિકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
મલ્ટીપ્લેક્સના માલિકોને પણ નવી ફિલ્મ રિલીઝ થતા આગામી સમયમાં સારી એવી આવકની આશા જન્મી છે. તો સાથે જ ફિલ્મ જાેવા આવતા શહેરીજનોને ચહેરા પર પણ ખુશી જાેવા મળી છે.