રક્ષામંત્રી અને ત્રણ સેનાના પ્રમુખે વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી
નવીદિલ્હી, રગિલ વિજય દિવસ પર રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ત્રણ સેનાના પ્રમુખોએ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે રાજનાથે કહ્યું કે, ૨૧માં કારગિલ દિવસ પર હું ભારતીય સેનાના એ જવાનોને સલામ કરું છું, જેમણે કારગિલની લડાઈ લડી હતી. આ યુદ્ધ દુનિયાના આધુનિક ઈતિહાસની સૌથી પડકારજનક સ્થિતિમાં લડવામાં આવ્યું હતું. આજે ઓપરેશન વિજયના સફળ થયાનો દિવસ છે. ભારતીય સેનાએ ૧૯૯૯માં કારગિલના દ્રાસ સેક્ટરમાં પાકિસ્તાની ઘુસણખોરોના કબજામાંથી ભારતીય વિસ્તારને ફરી પાછો મેળવ્યો હતો.
રજનાથે કહ્યું કે, હું એવા સૈનિકોનો પણ આભારી છું, જેમણે દિવ્યાંગ હોવા છતા ભારતીય સેનામાં સેવા આપવાનું ચાલું રાખ્યું. આ લોકોએ તેમની રીતે દેશની સેવા કરી અને દેશ પ્રત્યેના સમર્પણનું ઉદાહરણ રજુ કર્યું. કારગિલ વિજય માત્ર આપણા સ્વાભિમાનનું પ્રતીક નથી, આ અન્યાય વિરુદ્ધ ઉઠાવાયેલું એક પગલુ પણ છે.દેશની એકતા અને સંપ્રભુતા માટે અમે કોઈ પણ પગલા લેવા માટે તૈયાર છીએ. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ દિવસ દેશના ગૌરવ અને મજબૂત નેતૃત્વનું પ્રતીક છે. હું એ જવાનોને નમન કરું છું, જેમણે તેમના સાહસથી કારગિલના પહાડોમાંથી દુશ્મનને હરાવીને તિંરગો લહેરાવ્યો. દેશની રક્ષા માટે સમર્પિત ભારતના વીરો પર દેશને ગર્વ છે.