Western Times News

Gujarati News

રખડતા ઢોરના માલિકોને શોધવા સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું

પ્રતિકાત્મક

૫૦ હજાર પૈકી ૩૧૫૦૦ ઢોરોને ચીપ લગાવવામાં આવી

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, શહેરના વાહનચાલકો રોડ પરના ખાડા અને રખડતા ઢોરોથી ત્રાહિમામ થઈ રહ્યા છે. મ્યુનિ.સત્તાધીશોની નિષ્ક્રિયતાના પરીણામે આ બંને સમસ્યાનો વર્ષાેથી નિકાલ આવતો નથી. રખડતા ઢોર મામલે હાઈકોર્ટની ફીટકાર બાદ પણ કોઈ સુધારો થયો નથી. ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા રખડતા ઢોર પકડવા માટે ઝોન દીઠ ટીમો બનાવવામાં આવી છે. તેમ છતાં રોડ પર રખડતાં ઢોરોની સંખ્યામાં લેશમાત્ર ઘટાડો થતો નથી. મ્યુનિ.ઢોર ત્રાસ અંકુશ વિભાગે સદર સમસ્યાના નિરાકરણ માટે ખાસ સોફ્ટવેર તૈયાર કર્યા છે. જેમાં ઢોર પકડાય તે સાથે જ તેના માલિકની તમામ માહિતી ઉપલબ્ધ થશે. જેના કારણે નોટિસ અને દંડની પ્રક્રિયા સરળ બનશે.

અમદાવાદ શહેરમાં રોડ પર રખડતા ઢોરોની સમસ્યા વકરી રહી છે. મ્યુનિ.ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા ઢોર પકડવા તથા માલિકની જાણકારી સરળતાથી મળી રહે તે માટે આર.એસ.ચીપ લગાવવામાં આવી છે. વિભાગ દ્વારા ચીપ પર ખાસ સ્કેનર લગાવવામાં આવી રહ્યું છે.

જેના કારણે ઢોરના માલિકની ઓળખ સરળ બનશે. સૂત્રો એ જણાવ્યા મુજબ ૨૦૧૯ના વર્ષ દરમ્યાન ૧૭૭૭૫૨ ઢોર પકડવામાં આવ્યા હતા. તથા રૂા.૧ કરોડ ૬૭ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

૨૦૨૦ની સાલમાં ૨૫ ઓગસ્ટ સુધી ૫૯૮૭ ઢોર પકડવામાં આવ્યા છે. તથા માલિકો પાસેથી રૂા.૪૧ લાખ ૭૬ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ૨૦૨૦માં લોકડાઉનના કારણે એપ્રિલ અને મે મહિનામાં કુલ ૨૧ ઢોર જ પકડવામાં આવ્યા હતાં. જ્યારે અનલોકની જાહેરાત બાદ અઢી મહિનામાં ૨૬૨૭ ઢોર પકડવામાં આવ્યા છે. ૨૦૧૯ના જૂન મહિનામાં ૯૯૦ તથા જુલાઈમાં ૧૫૧૦ ઢોર પકડવામાં આવ્યા હતા. જેની સામે ૨૦૨૦ જૂન મહિનામાં ૭૩૮ અને જુલાઈમાં ૧૧૪૪ ઢોર પકડવામાં આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે પણ સીએનસીડી વિભાગ દ્વારા જૂન અને જુલાઈમાં સારી કામગીરી કરવામાં આવી છે. તેમ છતાં રખડતા ઢોરોની સંખ્યામાં ઘટાડો થતો નથી.

મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા છેલ્લા એક વર્ષથી ઢોરોને આર.એફ.ચીપ લગાવવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પાેરેશને કુલ ૫૦ હજાર જેટલા પશુઓના રજીસ્ટ્રેશન કર્યા છે. જે પૈકી ૩૧૩૦૦ પશુઓને આર.એફ.ચીપ લગાવવામાં આવી છે. તંત્રએ ડીસેમ્બર-૨૦૨૦ સુધી ચીપ લગાવવાની કાર્યવાહી પૂર્ણ કરવાની હતી. પરંતુ કોરોનાના કારણે ચીપ લગાવવાની કામગીરીમાં ચારથી પાંચ મહિનાનો વિલંબ થઈ શકે છે.

શહેરમાં રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે બે શીસ્ટમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવશે. મ્યુનિ.સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી પણ ઢોર પકડવા ટીમો મોકલવામાં આવશે. ઢોર પકડવા માટે મ્યુનિ.કર્મચારીઓની સાથે એલ.આર.પી ટીમ પણ કરી રહી છે. સાંજના સમયે ઢોર પકડવા માટે એલ.આર.પી.ની વધુ ટીમ માટે પ્રયત્ન થઈ રહ્યાં છે.

નામદાર હાઈકોર્ટના આદેશ બાદ છેલ્લા ત્રણ વર્ષથી જન્માષ્ટમી તહેવારમાં પણ ડબ્બામાંથી ગાયો છોડવામાં આવતી નથી. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા પકડવામાં આવેલાં ઢોરોને દાણીલીમડાનાં ડબ્બામાં રાખવામાં આવે છે. અહીં જગ્યા ઓછી હોવાથી તેની બાજુમાં નવી જગ્યા તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ઢોર ઉગારવા, ગાડીમાં ચઢાવવા, સફાઈકામ વગેરે માટે માસિક રૂા.૫ લાખ ૩૧ હજારનાં કોન્ટ્રાક્ટ માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.