રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી યથાવત ચાલશે
અમદાવાદ: અમદાવાદ શહેરના ઢોરવાડામાંથી ૯૬ ઢોર ગાયબ થવાના મામલામાં યોગ્ય તપાસ અને કસૂરવારો સામે પગલાંની આજે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહેરાએ ખાતરી ઉચ્ચારી હતી. આ સમગ્ર મામલે તંત્ર કામ કરી રહ્યુ હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું. જા કે, તેમણે એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે, અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસની સમસ્યાના નિવારણ માટે જયાં સુધી રખડતા ઢોરનો ત્રાસ દૂર નહીં થાય ત્યાં સુધી ઢોર પકડવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાંથી ૨૫ હજારથી વધુ ઢોર પકડવામાં આવ્યા છે અને આ વિવાદના કાયમી નિરાકરણ માટે તંત્ર કામ કરી રહ્યું છે.
ઢોરવાડાના વિવાદ બાદ મેયર અને ડેપ્યુટી કમિશનર વચ્ચે આવેદનપત્ર મુદ્દે સામે આવેલા ગજગ્રાહ બાદ મ્યુનિસિપલ કમિશનરે આજે કોઈને પણ આવેદનપત્ર આપવું હોય તો આપવા આવી શકે છે તે પણ સ્પષ્ટ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર નેહરાએ વધુમાં ઉમેર્યું કે, એક વર્ષમાં શહેરમાંથી ૨૫ હજાર રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. રસ્તા પર ઢોર છોડતા લોકો સામે પોલીસ કેસ પણ કરવામાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ ઢોરમાં આરએફઆઇડી(રેડિયો ફિકવન્સી આઇડેન્ટિફિકેશન ડેટા) ટેગ લગાવામાં આવ્યા છે. તાજેતરમાં, શહેરના ઢોરવાડામાં ગાયો ગુમ થવાની ફરિયાદ મળી હતી.
તે સંદર્ભે બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને વિજિલન્સ તપાસ કરવા સૂચના આપી છે કે કઇ રીતે ગણતરીમાં ભૂલ થઈ તે માહિતી મેળવામાં આવશે અને જે જવાબદાર અધિકારી હશે તેની સામે પગલા લેવામાં આવશે.મેયર અને ડેપ્યુટી કમિશનર વચ્ચે આવેદન પત્ર મામલે થયેલા ગજગ્રાહ મામલે મ્યિનિસિપલ કમિશનરે નિવેદન આપવાનું ટાળ્યું હતું. મેયરના આગ્રહ બાદ પણ ડેપ્યુટી કમિશનર આર્જવ શાહે આવેદનપત્ર લીધું નહોતું. જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને અધિકારીઓ સાંભળતા ન હોવા અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, ચૂંટાયેલી પાંખનું અમે માર્ગદર્શન મેળવીએ છે.
મેયર સહિત તમામ ચૂંટાયેલી પાંખ સાથે મળીને વિકાસના કામ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા શહેરના ઢોરવાડામાં પૂરવામાં આવેલા ઢોર પૈસા લઈ બારોબાર મુક્ત કરી દેવાની ગંભીર ફરિયાદમાં વિજિલન્સ તપાસની માગણી બાદ મ્યુનિ.એ કરેલી તપાસમાં જ ૯૬ ઢોર ગુમ થયાનું સામે આવ્યું હતું. આ તપાસ પછી શાસક પક્ષના નેતા અમિત શાહે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની માગણી કરી હતી.