Western Times News

Gujarati News

રખડતા ઢોર અને ભિક્ષુકોના પુનવર્સન માટે થઈ રહેલા પ્રયાસો થઈ રહ્યા છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતનું નવનિર્માણ થઈ રહ્યું છે – શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

મેગા પ્રોપર્ટી એક્ક્ષપો -2021મા શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનું નવનિર્માણ થઈ રહ્યું છે, તેમ રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ અમદાવાદના નિકોલ ખાતે આયોજિત મેગા પ્રોપર્ટી એક્ક્ષપોના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું.મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે બાંધકામ ઉદ્યોગ વેગવાન બનતા વધુને વધુ પ્રમાણમાં રોજગાર સર્જન થશે.

શ્રી વાઘાણીએ કહ્યું કે, સંયોગ છે કે આજે દુબઈમાં પણ એક્ક્ષપોનો શુભારંભ થઈ રહ્યો છે અને અમદાવાદમાં પણ પ્રોપર્ટી એકક્ષપોનો શુભારંભ થઈ રહ્યો છે.

આ અવસરે અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રારંભની ભૂમિકા આપતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, જો જાહેર જીવનમાં નિષ્ઠા અને પ્રમાણિકતા હોય તો સફળતા પ્રાપ્ત થાય છે, તેનું ઉદાહરણ આ એસોસિએશન છે. તેમણે આ પ્રસંગે યુવાનોના નેતૃત્વ હેઠળ આ એસોસિએશન વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પણ વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, આપણે રાષ્ટ્રનિર્માણ માટે સૌને સાથે લઈને ચાલીએ અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ.
આ અવસરે પ્રાસંગિક ઉદબોધનમાં સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળ બાદ વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. અને દેશ પ્રગતિના પંથે આગેકૂચ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, ભારતમાં રાજકીય સ્થિરતાના પગલે વિદેશી રોકાણનો પ્રવાહ પણ વધ્યો છે.

શ્રી પાટીલે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ 2022 પહેલા દરેકને ઘરનું ઘર મળે તેનું સ્વપ્ન સેવ્યું છે અને આ પ્રકારના એક્ક્ષપો તે દિશામાં મહત્વનું કદમ છે. સાંસદશ્રીએ આ પ્રસંગે સુરતમાં રખડતા ઢોર અને ભિક્ષુકોના પુનવર્સન માટે થઈ રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કરી અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારના પ્રયાસો માટે કટિબદ્ધ થવા માટે તાકીદ કરી હતી.

શ્રી પાટીલે આ તકે જાહેર હિત માટે જનતાને સૂચનો કરવા માટે પણ આહવાન કર્યું હતું. તેમણે કહ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં પ્રજાભિમુખ અનેકવિધ પગલા લેવાઈ રહ્યા છે.

આ અવસરે ધારાસભ્ય શ્રી વલ્લભાઈ કાકડિયા, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, અમદાવાદ શહેર ભાજપના પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, દિવ્ય ભાસ્કરના તંત્રી શ્રી પ્રણવ ગોળવેલકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.