Western Times News

Gujarati News

રખડતા ઢોર, બિસ્માર રસ્તા પ્રશ્ને હાઇકોર્ટ લાલઘૂમ

Files Photo

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટના વારંવારના આદેશો છતાં તેનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા સરકારના સત્તાવાળાઓ વિરૂધ્ધ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે આજે રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહ સહિતના સંબંધિત સત્તાવાળાઓનો રીતસરનો ઉધડો લઇ નાંખ્યો હતો.

હાઇકોર્ટે મુખ્ય સચિવ વિરૂધ્ધ નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી હતી. જા કે, હાઇકોર્ટે સરકાર અને સત્તાવાળાઓની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોરોના ત્રાસની સમસ્યા નિવારણ માટે તેમ જ બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે હાઇકોર્ટે અગાઉ જે આદેશો કર્યા છે, તેનું અસરકારક પાલન કરાવવામાં સરકારના સત્તાવાળાઓ બિલકુલ નિષ્ફળ રહ્યા છે,

જે બહુ ગંભીર બાબત કહી શકાય અને તેને હાઇકોર્ટ સહેજપણ હળવાશથી લેવા માંગતી નથી. હાઇકોર્ટે એક તબક્કે આ કેસમાં હાઇકોર્ટના હુકમનું પાલન કરવામાં કસૂર બદલ અદાલતી તિરસ્કારની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. હાઇકોર્ટે રાજયના મુખ્ય સચિવની પણ આકરા શબ્દોમાં ટીકા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર સહિત રાજયમાં રખડતા ઢોરોની સમસ્યાના નિવારણ અને બિસ્માર રોડ-રસ્તાઓ સહિતના અનેક સંવેદનશીલ મુદ્દાઓને લઇ ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જસ્ટિસ  એમ.આર.શાહ(હાલ સુપ્રીમકોર્ટના જÂસ્ટસ)ના વડપણવાળી બેંચ દ્વારા બહુ જ મહત્વના અને અસરકારક ચુકાદાઓ આપી રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સંબંધિત સત્તાવાળાઓને ઉદ્દેશીને માર્ગદર્શિકા અને નિર્દેશો જારી કર્યા હતા.

હાઇકોર્ટના જસ્ટિસ  એમ.આર.શાહ હાઇકોર્ટમાં હતા ત્યાં સુધી અહીં ચુકાદાઓનું થોડા ઘણા અંશે પણ પાલન થતુ હતુ કારણ કે, તેમની એક બાહોશ અને નીડર જજ તરીકેની છાપ હતી પરંતુ તેમની સુપ્રીમકોર્ટમાં નિમણૂંક બાદ તેઓ હવે સુપ્રીમકોર્ટમાં જસ્ટિસ  તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારે અહીં ઉપરોકત ચુકાદાઓના પાલનમાં સત્તાવાળાઓની ગંભીર બેદરકારી અને ઉદાસીનતા સામે આવી હતી.

જેને પગલે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને ઉપરોકત ચુકાદાઓનું ફરીથી ચુસ્તપણે અને અસરકારક રીતે પાલન કરાવવા અને હાઇકોર્ટના હુકમમાં કસૂર કરવા બદલ સરકારના સત્તાવાળાઓ વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટ હેઠળ કાર્યવાહી કરવા દાદ મંગાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.