Western Times News

Gujarati News

રખિયાલનાં ASIની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી

અમદાવાદમાં પોલીસ પણ અસલામત

 

અમદાવાદ : નાગરીકોની નજર ચૂકવીને ખિસ્સા કે બેગમાંથી કિંમતી વસ્તુઓ ચોરી જતાં તસ્કરો પોલીસની નિષ્ક્રીયતાને કારણે વધુ બેફામ બન્યાં છે. આ તસ્કરોની હિંમત એટલી ખુલી ગઈ છે કે તાજેતરમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એક એએસઆઈનાં ખિસ્સામાં ધાડ પાડી છે. કિસ્સો બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે.

રખિયાલ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ રમેશભાઈ મેસરીયા મંગળવારે નાઈટ ડ્યુટી પુરી કરીને બીઆરટીએસ બસમાં બેસીને ઘરે પરત ફરતાં હતા. બીઆરટીએસની બસમાં અડાબીડ ભીડનો લાભ લઈ અજાણ્યા ચોરે તેમનાં શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હતી. એએસઆઈ રમેશભાઈ જ્યારે બસમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમને આ અંગેની જાણ થઇ હતી.

ફરીયાદમાં ઊલ્લેખ મુજબ નાઈટ ડ્યુટી કર્યા બાદ બસમાં મુસાફરી કરતાં હતા એ વખતે તેમને ઝોકા આવતાં હતાં. એક અજાણ્યા શખ્સની નજર સતત તેમનાં ઉપર હતી. રમેશભાઈને ઝોકાં આવતાં હતા તેનો લાભ ઊઠાવીને નજર ચૂકવી આ શખ્સે તેમનો મોબાઈલ ઊઠાવી લીધો હતો.

અત્રે ઊલ્લેખનીય છે કે સામાન્ય નાગરીકો સાથે આવી ઘટના રોજેરોજ બનતી હોય છે. પોલીસ આવાં બનાવોની ફરીયાદ લઈને તપાસ કરવાનાં નામે કોઈ કાર્યવાહી કરતી નથી. ક્યારેક કોઈ ચોર રંગેહાથ પકડાય ત્યારે અન્ય મુદ્દામાલમાં ફોન હોય તો મળી આવે છે. બાકી ચોરીનાં કેસમાં મોટેભાગે નાગરીકોએ પોતાની મત્તા ભુલી જવી પડે છે.

જાકે એક એએસઆઈનાં ખિસ્સામાંથી મોબાઈલની ચોરી થતાં પોલીસવાળા ખુદ પણ સલામત નથી એવી ચર્ચા નાગરીકો કરી રહ્યાં છે. બીજી તરફ એએસઆઈનાં ખિસ્સામાંથી ફોન જતાં પોલીસ હવે ચોરને ઝડપી પાડવા માટે સક્રીય થઈ છે. આ ઘટનાની ફરીયાદ રમેશભાઈએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નરોડામાં રહેતાં રમેશભાઈ કૃષ્ણનગરથી ઠક્કરનગર ખાતે જતાં હતા એ મુસાફરો દરમિયાન આ બનાવ બન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.