રખિયાલની જમીન પડાવવા પાંચ શખ્સોએ માનસિક ત્રાસ આપતાં વેપારીનો આપઘાત
પત્નીને સુસાઈડ નોટ મળતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
(પ્રતિનિધિ)અમદાવાદ, નવરંગપુરામાં રહેતાં એક વેપારી આઠ દિવસ અગાઉ કોઈને કહ્યા વગર ઘરેથી જતાં રહ્યા બાદ તેમની લાશ હરસોલી ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. આ અંગે તેમની પત્નીએ જમીન પચાવી પાડવા માનસિક ત્રાસ આપતાં છ શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વેપારી આપઘાત કરતાં અગાઉ હિસાબનાં ચોપડામાં સુસાઈડ નોટ લખીને ગયા હતા.
સંજયભાઈ શર્મા એલીગન્સ-૧૬, નવરંગપુરા ખાતે રહેતાં હતા અને રખિયાલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક ગંજી ફરાક મિલ કંપાઉન્ડમાં આરએન એસ્ટેટમાં પોતાનો હાર્ડવેરને લગતો ધંધો કરતાં હતાં. ગઈ તારીખ ૧૧ ઓગસ્ટે સવારે પોતાની કાર લઈ પરીવારને જાણ કર્યા વગર તે ઘરેથી નીકળી ગયા હતા. જેનાં પગલે પરિવારે તેમની શોધ શરૂ કરી હતી. પરંતુ કોઈ ભાળ મળી નહતી. બીજીતરફ ઘરે તપાસ કરતાં તેમનાં હિસાબનાં ચોપડામાંથી રમેશ શાહ તથા સંદીપ શાહ (બંને રહે.રોયલ હાઉસ, ગંજી ફરાક મિલ કંપાઉન્ડ, રખીયાલ), બાબુભાઈ ચાવલા તથા ભરત ચાવલા (બંને રહે.વૃંદાવન સોસાયટી, ઓઢવ), અમિત (રોયલ હાઉસ, ગંજી ફરાક મિલ કંપાઉન્ડ, રખિયાલ) તથા મહંમદ ફૈઝન ફારુક શેખ (નાની અલી પોળ, ડબગરવાડ, દરીયાપુર) ભેગાં મળીને ઘણા સમયથી આરએન એસ્ટેટના શેઠ બાબતે પરેશાન કરતાં હોવાનું લખાણ મળી આવ્યું હતું.
સંજયભાઈ ઘર છોડી ગયા એ દિવસે બપોરે પોલીસે ફોન કરી તેમની કાર કઠલાલ નજીક અંતરોલી પાસે બિનવારસી હાલતમાં મળી આવી હતી. બીજા દિવસે પણ પરીવાર સંજયભાઈની શોધમાં હતાં ત્યારે અજાણી વ્યક્તિએ એક લાશ હરસોલી ગામ નજીક નર્મદા કેનાલમાં હોવાનું કહેતાં પરીવાર પોલીસને લઈને ત્યાં પહોંચ્યો હતો અને તપાસ કરતાં સંજયભાઈની જ લાશ હોવાનું ખુલ્યું હતું. આ અંગે સંજયભાઈનાં પત્ની સુનીતાબેને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રમેશ, સંદીપ, બાબુ, ભરત, ફૈઝાન તથા અમિત વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
મૃતક સંજયભાઈના પિતાએ બાબુભાઈને જગ્યા વાપરવા આપી હતી
ફરીયાદમાં નોંધાવ્યા અનુસાર સંજયભાઈના પિતા રામગોપાલ શર્માએ પોતાની આરએન એસ્ટેટની જગ્યા બાબુભાઈ તથા ભરતને વાપરવા આપી હતી. જ્યાં બંને બાપ દીકરો કેટરીંગનો વેપાર કરતા હતા. બાદમાં તે જગ્યા પડાવી લેવા સંજયભાઈ સાથે ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં હતાં. બીજી તરફ રોયલ હાઉસમાં રહેતાં રમેશ તથા સંદીપ પણ આરએન એસ્ટેટનાં જવાનાં રસ્તે આડેધડ પાર્કીંગ કરી પરેશાન કરતાં હતા. જ્યારે ફેઝાનને પણ તેમણે જ આરએન એસ્ટેટ રોડ શેડ ભાડે અપાવ્યું હતું. પરંતુ તે પણ સંજયભાઈ સાથે અવારનવાર ઝઘડો કરતો અને પાનનો ગલ્લો ધરાવતો અમિત પર કચરો ફેંકી ત્યાં આવતાં જ તાં લોકોને પરેશાન કરતો.