રખિયાલમાંથી ૧૭.૭૦ લાખ રૂપિયાની બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ ઘડીયાળો પકડાઈ
પોલીસે વેપારી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી
(પ્રતિનિધિ)અમદાવાદ, હાલનાં સમયમાં દેખાદેખીનો ટ્રેન્ડ વધ્યો છ. જેને પગલે મોંઘી વસ્તુઓ પરવડતી ન હોવાથી મોટાભાગનાં નાગરીકો ડુપ્લીકેટ વસ્તુઓ સસ્તામાં ખરીદી તેનાથી સંતોષ માને છે. જેને કારણે બજારોમાં મોટાભાગની બ્રાન્ડેડ ચીજવસ્તુઓની નકલ સસ્તામાં મળી રહે છે. ત્યારે રખિયાલમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડી કોપીરાઈટ ઓફીસર અને પોલીસે રૂપિયા ૧૭.૭૦ લાખ રૂપિયાની નકલી ઘડિયાળોનો જથ્થો ઝડપી લીધો છે.
કોપીરાઈટ અને ટ્રેડમાર્ક ઓફીસર ગીતાબેન ચાવલાને કેટલાંક વેપારીઓ રખિયાલમાં ડુપ્લીકેટ ઘડીયાળોનું વેચાણ કરતાં હોવાની બાતમી મળી હતી. જેનાં આધારે તેમણે રખિયાલ પોલીસને સાથે રાખી ન્યુ નોવેલ્ટી વોચ કંપની (મ્યુનિસિપલ શોપીંગ સેન્ટ, હિરાટાવર, રખિયાલ) નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો.
જ્યાં તપાસ કરતાં રાડો, ટીસોટ, લોજીનિયસ, ઓમેગા ટેગ હવા હબ્બો કંપનીની ૧૭ લાખ ૭૦ હજાર રૂપિયાની કિંમતન ૨૫૦ કરતાં વધુ ઘડિયાળો મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી હતી આ અંગે દુકાનનાં માલિક આસીફઅલી અઝગરઅલી શેખ (મન્સુરી બુટવાળાની ચાલી, રખિયાલ)ની વિરૂદ્ધ ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની કાર્યવાહીમાં અવારનવાર નકલી ચીજવસ્તુઓ મળી આવતી હોય છે.