રખિયાલમાં ચાર શખ્સોએ ભેગાં મળી વૃદ્ધનું મકાન ઉપરાંત દોઢ લાખ રૂપિયા પચાવી પાડતાં ફરીયાદ
ચાર આરોપીમાંથી બે ગરીબ આવાસ યોજનાનાં પ્રમુખ તથા બે સરકારી અધિકારી હોવાનો આક્ષેપ
(પ્રતિનિધિ)અમદાવાદ, સરકારી મકાનો મેળવ્યા બાદ કેટલાંક મકાનમાલિકો દ્વારા બારોબાર વેચી દેવાની તથા ભાડે આપવાની ઘટનાઓ સામે આવતી હોય છે.
આ સ્થિતિમાં રખિયાલમાં આવેલાં ગરીબ આવાસ યોજનાનું એક મકાન ખરીદી લીધા બાદ તેને ખાલી કરાવવા ઉપરાંત બીજું મકાન અપાવવાના નામે રૂપિયા દોઢ લાખ પડાવીને છેતરપિંડી કરવા બાબતે મકાન માલિકે એક મહિલા, ગરીબ આવાસ યોજનાના પ્રમુખ તથા કોર્પાેરેશનના બે કથિત અધિકારી વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની વિગત એવી છે કે ગુલામહુસેન મુર્તુઝા શેખ (૬૧) ઈસ્લામનગર રખિયાલ ખાતે પરીવાર સાથે રહે છે વર્ષ ૨૦૧૨માં તેમણે અજીતમિલ ચાર ચાર માળીયામાં આવેલું ગરીબ આવાસ યોજનાનું એક મકાન શેખ મહેરાજબીબી નાસીર હુસેન પાસેથી સવા બે લાખ રૂપિયામાં ખરીદ્યું હતું.
બાદમાં તેમના મિત્ર જાવેદભાઈ સૈયદને રહેવા માટે આપ્યું હતું. વર્ષ ૨૦૧૮માં તેમનાં ભત્રીજાનાં લગ્ન થતાં ગુલામભાઈએ તે મકાન ભત્રીજા આફતાબ હુસેન તેની પત્ની તથા ભાઈ સાદાબ હુસેનને રહેવા આપ્યો હતો.
દરમિયાન ગત ડિસેમ્બરમાં તેમનાં ઘરે મ્યુનિસિપલ કોર્પાેરેશનનાં અધિકારી શેખ તથા મિનાક્ષીબેન ઉપરાંત નાઝીયા જમશેદ અંસારી હતા. જેમણે આ મકાન ઉપર ગુલામભાઈનો ગેરકાયદેસર કબજાે હોવાનું કહી મકાન ખાલી કરવા કહ્યું હતું. બાદમાં સાંજે કાગળીયા લઈ પોતાનાં ઘરે બોલાવ્યા હતા.
ગુલામભાઈ દસ્તાવેજાે લઈ નાઝીયાબેનને બતાવતા તેમણે મકાન બીજાનાં નામે ઈસ્યુ કરેલું હોવાથી ખાલી કરવું પડશે. તથા મારે કોર્પાેરેશનનાં અધિકારીઓ સાથે સારી ઓળખાણ છે. અઢી લાખમાં તમને બીજુ મકાન અહીંયા જ અપાવી દઈશ તેવી વાત કરી હતી. બાદમાં દોઢ લાખ રૂપિયા લઈ મકાન અપાવવાનો વાયદો કર્યાે હતો.
બીજી તરફ તેમનું મકાન ગરીબ આવાસ યોજના રખિયાલમાં પ્રમુખ શરીફખાન સૈયદ તથા નાઝીયાબેને કાર્યવાહી તથા દંડની ધમકી આપી ખાલી કરાવી દીધું હતું.
બાદમાં પોતાને બીજું મકાન ફાવવાની વાત કરતાં નાઝીયાબેન બહાના બનાવતી હતી. જેથી ગુલામભાઈ એક દિવસ તેમના ઘરે પહોંચી જતા નાઝીયાબેને મકાન કે રૂપિયા કંઈ નહીં મળે તેવી ધમકી આપી હતી. આ ઘટના બાદ તેમણે પોતાની રીતે તપાસ કરતાં આ તમામે ભેગાં મળી કોર્પાેરેશનનાં ભળતાં સહી સિક્કા વાળાં ખોટાં કાગળો બનાવી મકાન જાવેદ અસ્ફાક હુસેન સૈયદને આપ્યાની જાણ થઈ હતી.
જેથી તેમણે ગરીબ આવાસ યોજનાનાં પ્રમુખ નાઝીયાબેન અંસારી તથા શરીફભાઈ સૈયદ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનનાં કથિત અધિકારી મોહમંદ ફૈઝ ઊર્ફે શેખ અને મિનાક્ષીબેન ઉર્ફે દુર્ગાબેન વિરૂદ્ધ કાવતરું રચી પોતાનું મકાન તથા દોઢ લાખ રૂપિયા પડાવી લેવાની ફરીયાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે તુરંત કાર્યવાહી શરૂ કરી હતી.