રખિયાલમાં પૌત્રએ દાદાની કરપીણ હત્યા કરી
ફ્રીજ લેવા જેવી નાની બાબતમાં ઉશ્કેરાયેલા સગીર વયના પૌત્રએ દાદાને ચપ્પાના સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક પછી એક હત્યાની ઘટનાઓથી પોલીસતંત્ર ચોંકી ઉઠયુ છે ગઈકાલે શહેરમાં બે ગંભીર બનાવો બન્યા હતા જેમાં ચાંદલોડિયા બ્રીજ નીચે એક આધેડ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જયારે બીજા બનાવ શહેરના રખિયાલ વિસ્તારમાં બન્યો છે જેમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા પારિવારિક ઝઘડામાં ગઈકાલે રાત્રે એક પૌત્રએ દાદાની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી
ઘટનાની જાણ થતાં પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોચી હતી પોલીસે તપાસ કરતા વૃધ્ધનું સ્થળ પર જ મોત નીપજયું હોવાનું જણાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પૌત્રને ઝડપી લીધો હોવાનું જાણવા મળી રહયું છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ગંભીર ઘટનાઓની હારમાળાઓ સર્જાઈ રહી છે
જેના પરિણામે પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયેલો છે સામાન્ય નાગરિક પણ અસલામતીની લાગણી અનુભવી રહયો છે શહેરમાં હત્યાની ઘટનાઓનો સીલસીલો શરૂ થયો હોય તેવી પરિસ્થિતિ જાવા મળી રહી છે. નાની નાની બાબતોમાં હુમલા કરવામાં આવી રહયા છે ગઈકાલે રાત્રે ચાંદલોડિયા વિસ્તારમાં બનેલી ગોળીબારની ઘટનાથી શહેરભરનું પોલીસતંત્ર સતર્ક બનેલુ હતું
ત્યારે શહેરના રખિયાલ વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના ઘટી હતી રખિયાલ વિસ્તારમાં મોનોગ્રામ મીલની ચાલીમાં હરકિશન બહાદુર નામના વૃધ્ધ પોતાના પરિવાર સાથે રહે છે હરકિશનનો પુત્ર સંજયસિંહ અપરાધી માનસિકતા વાળો છે અને તે અનેક ગુનાઓમાં પણ સંડોવાયેલો છે અને હાલ તે પાસા હેઠળ જેલમાં છે તેથી હરકિશન બહાદુર સાથે પુત્ર વધુ અને પૌત્ર રહે છે સમગ્ર પરિવારમાં નાની નાની બાબતોમાં ખટરાગ થતો જાવા મળતો હતો છેલ્લા કેટલાક દિવસથી હરકિશન બહાદુર અને તેના ૧૬ વર્ષના પૌત્ર આદર્શ વચ્ચે ફ્રીજ લેવાની બાબતે ઉગ્ર બોલાચાલી થતી હતી.
ફ્રીઝ લેવા જેવી બાબતમાં દાદા અને પૌત્ર વચ્ચે થતી તકરાર કોઈપણ સમયે લોહીયાળ બને તેવી દહેશત પણ સેવાતી હતી ગઈકાલે રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ આ મુદ્દે ફરી વખત દાદા અને પૌત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ દરમિયાન ૧૬ વર્ષનો આદર્શ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાના જ દાદા હરકિશન પર હુમલો કરતા પરિવારના સભ્યો ચોંકી ઉઠયા છે અન્ય સભ્યો હજુ કશું સમજે તે પહેલા આદર્શે તીક્ષ્ણ ધારવાળુ ચપ્પુ કાઢયુ હતું અને દાદા પર હુમલો કરી સંખ્યાબંધ છરીના ઘા મારી દેતા હરકિશનભાઈ લોહીલુહાણ હાલતમાં ઘરમાં જ ઢળી પડયા હતા
જેના પરિણામે ભારે હોહામચી જતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં. ફ્રીઝ લેવા જેવી બાબતમાં સગીર પૌત્રએ ઉશ્કેરાટમાં આવી જઈ પોતાના જ દાદા પર હુમલો કરી ચપ્પાના સંખ્યાબંધ ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા દાદાને જાઈ પરિવારના સભ્યો તથા આસપાસ રહેતા નાગરિકો સ્તબ્ધ બની ગયા હતા આ અંગે તાત્કાલિક રખિયાલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા
બીજીબાજુ ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આવી પહોચી હતી અને ડોકટરે તપાસ કરતા હરકિશનભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજયું હોવાનું જણાવ્યું હતું. રખિયાલ પોલીસે આ અંગે સગીર આદર્શ પર હત્યાનો ગુનો દાખલ કર્યો છે. રખિયાલ વિસ્તારમાં નાની એવી બાબતમાં પૌત્રએ પોતાના દાદાની કરપીણ હત્યા કરવાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં
બીજીબાજુ સગીર આરોપી આદર્શે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેને સ્થળ પરથી ઝડપી લીધો હોવાનું જાણવા મળી રહયું છે ઘટનાની કારણ જાણવા માટે પોલીસે આદર્શની માતાની પણ પુછપરછ કરી હતી આ ઉપરાંત અન્ય સભ્યોની પુછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. રખિયાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.