રખિયાલમાં વેપારીને ચાકુ મારી કારીગર પર ગરમ તેલ ઢોળ્યુઃસ્થાનિક લુખ્ખાનો આતંક
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં લુખ્ખા તત્વોનું રાજ ચારે તરફ ફેલાયેલું હોય એવું પ્રતિત થાય છે. આ લુખ્ખાઓને પોલીસનો પણ કોઈ ખોફ રહ્યો ન હોય એવું તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ પરથી લાગી રહ્યુ છે.
સામાન્ય પ્રજાને પરેશાન કરતા તથા અન્ય રીતે પોતાની ધાક જમાવતા લુખ્ખા-ગુંડા તત્ત્વો વેપારીઓને પણ ડરાવી-ધમકાવીને માર મારીને પોતાની ધાક જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ સ્થિતિ બે દિવસ અગાઉ રખિયાલમાં જમવાનું પાર્સલ બનાવી વેપારીએ રૂપિયા માંગતા એક અસામાજીક શખ્સે તેમની પર ચપ્પુ વડે હુમલો કરી કારીગર સહિત બે વ્યક્તિ પર ગરમ તેલ છાંટયુ હતુ.
આ અંગેની વિગત એવી છે કે બે દિવસ અગાઉ રખિયાલ ૧૩૩ નંબરના બસ સ્ટેન્ડ નજીક એક હોટલના માલિક સલીમભાઈ પઠાણ તેમની હોટલે હાજર હતા ત્યારે સાંજે સાત વાગ્યે એ જ વિસ્તારના હરબનનગરમાં રહેતો સોનુ ઉર્ફેે પસીનો આવ્યો હતો. અને નોનવેજનું પાર્સલ બંધાવ્યુ હતુ.
સલીમભાઈએ તેના રૂપિયા માંગતા સોનુંએ તેમની સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. તથા પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી મારતા સલીમભાઈને ચહેરા પર ઈજા થઈ હતી. આ ઝપાઝપી દરમ્યાન સોનુંએ કઢાઈને લાત મારતા ઉકળતું તેલ હોટેલના કારીગર મહમ્મદ મીનાઝ ઉપર ઢોળાતા તેના હાથ, છાતી, પેટ માથુ ઉપરંતના અંગો દાઝી ગયા હતા. ચકચારીભરી ઘટના બનતા બજારમાં અન્ય પણ ચોંકયા હતા. અને નાસભાગ મચી જવા પામી હતી.
જેનો લાભ લઈને સોનું ત્યાંથી ભાગી છુટ્યો હતો. અને ઉકળતા તેલના છાંટા સલીમભાઈને પણ ઉડ્યા હતા. બાદમાં ૧૦૮ દ્વારા સલીમભાઈ તથા કારીગર મીનાઝને શારદાબેન હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરે જાણ કરતાં રખિયાલ પોલીસ પણ આવી પહોંચી હતી. અને સલીમભાઈની ફરીયાદના આધારે સોનુને ઝડપી લીધો હતો.