રખિયાલ પોલીસની ટીમ ઉપર ત્રણ તડીપાર સહીતના ટોળાનો પથ્થરમારો: એકને ઈજા

(પ્રતિનિધિ) અમદાવાદ, રખિયાલમાં એક લોકરક્ષક (એલઆર) જવાન મહીલાને સમન્સ બજાવવા ગયા હતા જયાં મહીલાના તડીપાર પતિ સહીત બંનેએ તેની સાથે ઝઘડો કરી ગાળો બોલી સમન્સ ફાડી નાખ્યું હતું જેને પગલે એલ.આર એ પોલીસનો અન્ય સ્ટાફ બોલાવતા એક પીએસઆઈ સહીતની પોલીસની ટીમ ઉપર નવ લોકોના ટોળાએ ઝપાઝપી કર્યા બાદ પથ્થરમારો કર્યો હતો જેમાં એક એલ.આર જવાનને ઈજા થતાં તેને સારવાર લેવાની ફરજ પડી હતી.
લોકરક્ષક જવાન જયદેવભાઈ ચારોડીયા ચોકી, રખિયાલ ખાતે ફરજ બજાવે છે તે પ્રભાવતીની ચાલીમાં રહેતી સબાનાબાનું પઠાણ નામની મહીલાને સમન્સ બજાવવા ગયા હતા જયાં સબાના ઉપરાંત તેનો પુત્ર નોઝીલ અને પતિ ગફુરખાન પણ હાજર હતા.
ગફુરખાન પણ તડીપાર હોઈ જયદેવભાઈએ તેને પણ ચોકી ઉપર જવાબ લખાવવા આવવાનું કહયું હતું જેને કારણે ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને નોઝીલે તુ કેમ વારંવાર અમારા ઘરે આવી જાય છે તેમ કહીને ઝઘડો કર્યો હતો જયારે ગફુરે તેમના હાથમાંથી સમન્સ લઈ ફાડી નાખ્યુ હતું જયદેવભાઈ સમન્સના ટુકડા વીણતા હતા એ વખતે ગફુરે જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેમણે રખિયાલ પોલીસ સ્ટેશને જાણ કરતા પીએસઆઈ એચ.વી ભાટીયા સહીત રખિયાલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં આવી પહોચ્યો હતો.
જેમને જાેતાં જ ગફુર તથા નોઝીલે બુમાબુમ કરીને આસપાસ રહેતા તેમના સગાનું ટોળુ એકત્ર કર્યુ હતું અને બધા પોલીસવાળાને મારીને ભગાડવાનું કહેતા મહીલા અને પુરૂષો સહીત નવ લોકોના ટોળાએ પોલીસની ટીમ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસ પર પથ્થરમારો કરતા કેતનભાઈ નામના જવાનને ઈજા થઈ હતી દરમિયાન ગફુરખાન ત્યાંથી ભાગી છુટયો હતો.
પોલીસે ઘટના સ્થળેથી કરીમખાન સમીરખાન પઠાણ, મોહમદ સલીમ શેખ, હિના ફોજીવા તથા મોહમદ યુસુફ પઠાણ સહીતનાઓને ઝડપી લઈ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી જયારે ગફુર, શબાના, નોઝીલ, મદીનાબાનુ, કરીમખાન, હિના, યુસુફ પઠાણ, સલીમ ઉર્ફે સોહેબ શેખ, તથા ઈકરામ સહીત નવ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરીન કાર્યવાહી હાથ ધરી છે ટોળામાં સામેલ ગફુર તથા કરીમ અને સલીમ પણ તડીપાર થયેલા હતા.