રગશિયા ગાડાની જેમ ચાલતા વેક્સીનેશન અભિયાનને પગલે ભારોભાર આક્રોશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/surat-1024x624.jpg)
વેક્સીનેશનઃ આજે બંધ જેવું, કાલે પાક્કું બંધ
(પ્રતિનિધિ) સુરત, તા. ૦૭ સુરત શહેરમાં વેક્સીનનો કકળાટ હવે સેન્ટર બંધ કરવાની નોબત સુધી પહોંચી ચુક્યો છે. વેક્સીનેશન મહોત્સવનું એક પખવાડિયામાં જ સુરસુરિયું થઈ ચુક્યું છે અને હવે આગામી કેટલા દિવસો સુધી આ સ્થિતિ જાેવા મળશે તે પણ યક્ષ પ્રશ્ન છે. હાલ તો વેક્સીન માટે લોકો વહેલી સવારથી લાઈનમાં તો ઉભા રહે છે પરંતુ વેક્સીન માટે નંબર તો નસીબદારનો જ આવી રહ્યો છે.
આજે સુરત શહેરના માત્ર ૪૦ અબર્ન હેલ્થ સેન્ટરો પર જ વેક્સીનેશનની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે મોટા ભાગના વેક્સીનેશન સેન્ટરો પર સવારથી જ નાગરિકોની લાંબી કતારો જાેવા મળી હતી. જાે કે ખાટલે મોટી ખોડ એ છે કે પ્રત્યેક વેક્સીનેશન સેન્ટર પર માત્ર ૭૫ નાગરિકોને જ વેક્સીનેશનની સુવિધા હોવાને કારણે લાઈનમાં વહેલી સવારથી જાેડાયેલા નાગરિકોએ વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે.
સતત વેક્સીનના ડોઝની ઘટતી સંખ્યા સામે લોકો વેક્સીનેશન માટે રીતસરના આજીજી કરતાં નજરે પડી રહ્યા હોવા છતાં આરોગ્ય વિભાગ લાચાર સ્થિતિમાં છે.
રાજ્યની આર્થિક રાજધાની એવા સુરત શહેરમાં આજે માત્ર ત્રણ હજાર નાગરિકોના વેક્સીનેશનનો પણ એક અનિચ્છનીય રેકોર્ડ બન્યો છે. આટલી મોટી સંખ્યા ધરાવતાં શહેરમાં જાે આ રીતે જ રગશિયા ગાડાની જેમ વેક્સીનેશન અભિયાન ચાલુ રહેશે તો વેક્સીનેશન સેન્ટરો પર ઉમટી રહેલા નાગરિકોનું વેક્સીનેશનનું સપનું આવતા વર્ષે પુરૂં થાય તેમ છે.
અલબત્ત, આજે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ પાસે વેક્સીનનો જથ્થો ખલ્લાસ થઈ ચુક્યો છે અને આવતીકાલે શહેરભરના તમામ સેન્ટરો વેક્સીનેશન માટે નાછૂટકે બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે.