રજનીકાંતે છોડ્યું પોલિટીક્સ, રજની મક્કલ મંદ્રમનો ભંગ કર્યો
ચેન્નાઇ: સુપરસ્ટાર રજનીકાંતે રજની મક્કલ મંદ્રમના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તે પછી તેમણે ક્યારેય રાજકારણમાં ન પ્રવેશવાનો ર્નિણય લીધો છે. રજનીકાંતે તેમની પાર્ટી ‘રજની મક્કલ મંદ્રમ’ સમાપ્ત કરી દીધી છે. આ સાથે રજનીકાંતે કહ્યું છે કે તેઓ રાજકારણમાં નહીં આવે. રજનીકાંતે ‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીને ભંગ કરતા કહ્યું કે, મારે ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશવાની કોઈ યોજના નથી. હું રાજકારણમાં આવવાનો નથી..
આપને જણાવી દઈએ કે ૨૯ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ રજનીકાંતે જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણમાં નહીં આવે. પરંતુ તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં જાેડાવા અંગે ફરીથી ચર્ચા કરશે. પરંતુ હવે તેમણે આખરે તમામ પ્રકારની અટકળોનો અંત લાવી દીધો છે.
રજનીકાંતના રાજકારણમાં પાછા ફરવાની ચર્ચાઓ વચ્ચે તમિળનાડુના રાજકારણમાં હંગામો થયો હતો. જણાવી દઈએ કે ડિસેમ્બર ૨૦૨૦ માં, રજનીકાંતે પોતે કહ્યું હતું કે તેઓ જાન્યુઆરી ૨૦૨૧ માં પાર્ટીની શરૂઆત કરશે. તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ બધું થવું હતું. પરંતુ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં, રજનીકાંતે યુ-ટર્ન લીધો અને કહ્યું કે તેઓ રાજકારણમાં જાેડાશે નહીં. તે પછી રજનીકાંતની સંસ્થાના ઘણા સભ્યો ડીએમકે સહિત અન્ય પાર્ટીઓમાં જાેડાયા હતા.