રણજી ટ્રોફીના પહેલા તબક્કાની શરૂઆત ૧૦ ફેબ્રુઆરીથી થશે
નવીદિલ્હી, એક સિઝનના બ્રેક પછી રણજી ટ્રોફીનું આયોજન થવા જઈ રહ્યું છે. કોરોનાના કારણે રણજી ટ્રોફીની છેલ્લી સિઝનને રદ કરી દેવામાં આવી હતી. જ્યારે કોરોનાની ત્રીજી લહેરને જાેતાં તેને પહેલાં અનિશ્વિતકાળ માટે ટાળી દેવામાં આવી હતી.
ખેલાડીઓ અને અનેક રાજ્ય સંઘની માગણી પછી આ વર્ષે રણજી ટ્રોફીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પહેલા આ ટુ્ર્નામેન્ટની શરૂઆત ૧૩ જાન્યુઆરીથી થવાની હતી. પરંતુ હવે નવા શિડ્યુલ પ્રમાણે આ ટુર્નામેન્ટ ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થશે.
રણજી ટ્રોફીનો પહેલો તબક્કો ૧૦ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધી રમાશે. જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ પછીનો તબક્કો ૩૦ મેથી ૨૬ જૂન સુધી રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે રાજ્ય એકમને આ જાણકારી આપી.
જય શાહના પત્રથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ સૌથી નાના પ્રથમ શ્રેણીના સત્રમાંથી એક થશે. જેમાં મોટાભાગની ટીમને માત્ર ત્રણ મેચ રમવા મળશે. તેનો અર્થ એ થયો કે ગ્રુપ લીગ તબક્કામાંથી બહાર થનારી ટીમને વધેલી મેચ ફીનો વધારે ફાયદો મળશે નહીં. ચાર-ચાર ટીમના આઠ એલિટ ગ્રૂપ બનાવવામાં આવશે.
જ્યારે બાકી બચેલી ૬ ટીમને પ્લેટ ડિવિઝનમાં જગ્યા મળશે. ટુર્નામેન્ટ દરમિયાન ૬૨ દિવસમાં ૬૪ મેચ રમાશે. પહેલા તબક્કામાં ૫૭ મેચ રમાશે. બીજા તબક્કામાં સાત નોકઆઉટ મેચ થશે. જેમાં ચાર ક્વાર્ટર ફાઈનલ, બે સેમીફાઈનલ અને ફાઈનલ થશે. એલીટ ગ્રૂપની મેચ રાજકોટ, કટક, ચેન્નઈ, અમદાવાદ, ત્રિવેન્દ્રમ, દિલ્લી, હરિયાણા અને ગુવાહાટીમાં રમાશે. પ્લેટ લીગ મેચ કોલકાતામાં થશે.
આ પહેલાં બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ રણજી ટ્રોફીને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે રણજી ટ્રોફી ભારતની સૌથી મહત્વની ઘરેલુ ટુર્નામેન્ટ છે. અને બોર્ડ તેનું આયોજન કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફીની છેલ્લી સિઝન ૨૦૧૯-૨૦ જીતી હતી.
રણજી ટ્રોફી ૨૦૨૨ ગ્રૂપઃ
રાજકોટમાં એલિટ એઃ ગુજરાત, એમપી, કેરળ અને મેઘાલય,કટકમાં એલિટ બીઃ બંગાળ, બરોડા, હૈદરાબાદ અને ચંદીગઢ,ચેન્નાઈમાં એલિટ સીઃ કર્ણાટક, રેલ્વે, જમ્મુ કાશ્મીર અને પોંડિચેરી,અમદાવાદમાં એલિટ ડીઃ સૌરાષ્ટ્ર, મુંબઈ, ઓડિશા અને ગોવા,ત્રિવેન્દ્રમમાં એલિટ ઇઃ આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, સેવાઓ અને ઉત્તરાખંડ,દિલ્હીમાં એલિટ એફઃ પંજાબ, એચપી, હરિયાણા અને ત્રિપુરા,હરિયાણામાં એલિટ જીઃ વિદર્ભ, યુપી, મહારાષ્ટ્ર અને આસામ,ગુવાહાટીમાં એલિટ એચઃ દિલ્હી, તમિલનાડુ, ઝારખંડ અને છત્તીસગઢ,કોલકાતામાં પ્લેટઃ બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. HS