રણબીર કોરોનાથી ઠીક થયા બાદ ઘરની બહાર દેખાયો
મુંબઈ: કોવિડ-૧૯થી રિકવર થયા બાદ સોમવારે પહેલીવાર રણબીર કપૂર જાહેરમાં દેખાયો હતો. પ્રોડ્યૂસર આરતી શેટ્ટીના ઘરે જતી વખતે રણબીર કપૂર જૂહુ વિસ્તારમાં ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થયો હતો. આ સમયે રણબીરે માસ્ક પહેરીને રાખ્યું હતું. તેણે ફોટોગ્રાફર સામે જાેઈને હાથ લગાવ્યો હતો અને ફોનની મદદથી તેમને ‘હેપી હોળી’નો મેસેજ આપ્યો હતો. સાથે જ આંગળી અને અંગુઠીની મદદથી ‘ગુડ’ની સાઈન બનાવી હતી. રણબીરે બ્લેક શર્ટ અને મિલિટ્રી ડિઝાઈનનું માસ્ક પણ પહેર્યું હતું.
આ મહિનાની શરુઆતમાં નીતૂ કપૂરે રણબીરનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાતની પુષ્ટિ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર દીકરાની એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘તમારી ચિંતાઓ અને શુભેચ્છાઓ માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ આવ્યો છે. અત્યારે તેની સારવાર ચાલી રહી છે અને રિકવરી સારી થઈ રહી છે. તે ઘરે જ સેલ્ફ-ક્વોરન્ટીન થયો છે અને જરૂરી તકેદારી રાખી રહ્યો છે.
થોડા દિવસ પહેલા જ કાકા રણધીર કપૂરે ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતાં રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘રણબીર હવે એકદમ ઠીક છે. તે સ્વસ્થ છે અને હું તેને મળ્યો હતો. જણાવી દઈએ કે, રણબીર પહેલા નીતૂ કપૂર પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ડિસેમ્બર ૨૦૨૦માં નીતૂ કપૂર કોરોના સંક્રમિત થયા હતા. તેઓ આગામી ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ કરી રહ્યા હતા એ વખતે સંક્રમિત થયા હતા. નીતૂ સાથે ફિલ્મનો કો-એક્ટર વરુણ ધવન પણ કોરોના સંક્રમિત થયો હતો.
બંને એક્ટર્સે સાજા થયા બાદ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ શરૂ કર્યું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો, રણબીર કપૂરની બે ફિલ્મો ‘શમશેરા’ અને બ્રહ્માસ્ત્ર રિલીઝ થવાની છે. શમશેરા ૨૫ જૂન ૨૦૨૧ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણબીર વાણી કપૂર અને સંજય દત્ત સાથે જાેવા મળશે. તો આ તરફ ‘બ્રહ્માસ્ત્ર’ના મેકર્સે હજી સુધી રિલીઝ ડેટ જાહેર નથી કરી. બ્રહ્માસ્ત્રમાં રણબીર સાથે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ જાેવા મળશે. બંને પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ ઉપરાંત રણબીર પાસે સંદીપ રેડ્ડીની ‘એનિમલ’ અને લવ રંજનની આગામી ફિલ્મ છે.