રત્નકલાકારે પરિવારને ફોન કરીને આપઘાત કરી લીધો
સુરત: સુરતના અમરોલીમાં ગુરૂવારે રાતે યુવાન રત્નકલાકારે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. તેણે કોરોના રિપોઝિટ આવ્યો હોવાનું કહ્યા પછી આ પગલુ ભર્યુ હોવાનું પરિવારે જણાવ્યુ હતુ. પોલીસે કોરોના રિપોર્ટ ક્યા કરાવ્યો તેની તપાસ ચાલુ કરી છે. સુરત શહેરમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા માહોલમાં અગાઉ એક વૃદ્ધે પોતાને કોરોના થયો હોવાનું મનમાં રાખી અને તાપીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો
ત્યારે ફરી કોરોનાના ડરે એક આશાસ્પદ યુવકનો ભોગ લીધો છે. મૃતક મૂળ ભાવનગર જિલ્લાનો વતની હતો અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરી આજીવિકા રળતો હતો. મૂળ ભાવનગરના મહુવાના વતની અને હાલમાં અમરોલીના છાપરા ભાઠા ખાતે રહેતા ૩૮ વર્ષીય યુવાન એ ગુરૃવારે રાતે ઘરમાં હુક સાથે રૃમાલ બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.યુવાનના સંબંધીએ કહ્યુ કે ગત તા.૧૯મીએ સવારે હીરાના કારખાને કામ કરવા ગયો હતો. બાદમાં તેનો કોરોના અંગેનો રિપોર્ટ કઢાવ્યો હતો.
જે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.તેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.ત્યાં યુવાન લઘુશંકાનું બહાનું કરીને ભાગીને ઘરે આવી ગયો હતો.બાદમાં તેણે પોતાની બહેન સહિતના સંબંધીને ફોન કરીને કહ્યુ કે ‘મને કોરોના થયો છે.એટલે કોઇ મળવા નહી આવતા. યારે તેના પરિવારના સભ્યો વતન ગયા હોવાથી તે બહેનના ઘરેથી ટીફન લઇને કારખાને જતો હતો. ગત રાતે તે જમવા નહી આવતા તેમના સંબંધી તેને શોધતા શોધતા ઘરે આવ્યા હતા.ત્યારે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેને જોઇને ચોંકી ગયા હતા.
અમરોલી પોલીસ યુવાન ક્યા કારખાનામાં નોકરી કરે છે ? ક્યાં કોરોના ટેસ્ટ કરાવ્યો ? અને જો કોરોના પોઝિટીવ આવ્યો હોય તો તેની પાસે કોરોના પોઝિટીવ સહિતના કાગળો હોવા જોઇએ જે તેની પાસેથી મળ્યા નથી.છતા તેના પરિવારે કહ્યુ હોવાથી યોગ્ય રીતે તપાસ બાદ હકીકત જાણવા મળશે. સ્મીમેર હોસ્પિટલમા પોસ્ટ મોર્ટમ થયા બાદ ડોકટરે કહ્યુ કે તેનું મોત ગળે ફાંસો ખાવાથી થયુ હતુ. પોલીસને પરિવારની વાત ગળે ઉતરતી નથી.