રથના પૈડાના સમારકામમાં મદદથી લઈને પુશિંગ સ્ક્વોડના ટાઈમટેબલ અને રોટેશન સુધીનું તલસ્પર્શી આયોજન
26 રેન્જ, 53 એરિયા અને 135 સબએરિયા અંતર્ગત 1400 પોઈન્ટસમાં વિભાજીત કરાયો છે પોલીસ બંદોબસ્ત-મુવિંગ, સ્ટેટિક, ટ્રાફિક, કન્ટિજન્સી અને અન્ય સહિત 5 વિભાગોમાં બંદોબસ્તની વહેંચણી
અમદાવાદની આગવી ઓળખ એવી ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા માટે ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અનુસાર અમદાવાદ શહેર પોલીસે જડબેસલાખ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કર્યું છે. રથયાત્રાના 16 કિલોમીટરના રૂટમાં ભગવાન જગન્નાથજીના દર્શન માટે આવનાર ભાવિકોને અગવડ ન પડે
તદઉપરાંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાન નગરચર્યા કરે તે માટે સલામતી અને સુરક્ષાની મોટી જવાબદારી પોલીસબેડાના શિરે હોય છે. પ્રતિવર્ષ અષાઢી બીજના મહિનાઓ અગાઉથી જ અમદાવાદના ખૂણે ખૂણે સુરક્ષાની સમીક્ષા તેમજ સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી પ્રબંધ કરવામાં શહેર પોલીસ પણ કોઈ કસર છોડતી નથી.
રથયાત્રા સુખરૂપ પાર પડે તે માટે શહેર પોલીસે સમગ્ર બંદોબસ્તને મુખ્ય ૫ પ્રકારોમાં વહેંચ્યા છે. જેમાં મૂવિંગ બંદોબસ્ત, સ્ટેટીક બંદોબસ્ત, ટ્રાફિક બંદોબસ્ત, કંટિંજન્સી બંદોબસ્ત તેમજ રથયાત્રા સિવાયના બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. આ બંદોબસ્તને ૨૬ રેન્જ, ૫૩ એરિયા અને ૧૫૩ સબ એરિયા એમ કુલ મળી 1400 પોઈન્ટસમાં વિભાજિત કરવામાં આવ્યો છે.
મુવિંગ બંદોબસ્તઃ
રથયાત્રાની સાથે સાથે ગતિ કરતો બંદોબસ્ત ખૂબ અગત્યનો હોય છે. જેનું સુપરવિઝન ક્રાઈમબ્રાંચના અધિક પોલીસ કમિશનરનુ હોય છે. આ બંદોબસ્તનો હેતુ રથયાત્રા અવિરત આગળ વધે, તેના રૂટ પરથી જ પસાર થાય અને ઝડપથી પસાર થાય એ જોવાનું હોય છે.
18 હાથી, 101 સુશોભિત ટ્રક, 30 અખાડા, 3 રથ, ભજન મંડળીઓ, નિશાન ડંકા તેમજ મંદિરના મહંતશ્રીની સુરક્ષાનું આયોજન તેમજ રથના પૈડા ક્ષતિગ્રસ્ત થવા પર તેમા મદદગારી કરવાની જવાબદારી મુવિંગ બંદોબસ્તની ટીમના શિરે હોય છે. આ ઉપરાંત 11 પોલીસકર્મીઓની એક એવી કુલ 20 પુશિંગ સ્ક્વોડ બનાવવામાં આવે છે. જે જગન્નાથ મંદિરથી કાલુપુર ઝોન 3 ઓફિસ સુધી અને ત્યારબાદ ઢાળની પોળથી ફરી જગન્નાથ મંદિર સુધી રથને ગતિ આપવામાં મદદરૂપ બને છે.
સ્ટેટિક બંદોબસ્તઃ
રથયાત્રાના રૂટ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત બંદોબસ્તને સ્ટેટિક બંદોબસ્ત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. કુલ ૮ પોલીસ સ્ટેશન હેઠળના તમામ સંવેદનશીલ પોઈન્ટસ પર સ્ટેટિક બંદોબસ્તની ફાળવણી કરવામાં આવે છે. શહેર પોલીસે જીણવટપૂર્વકના અભ્યાસ બાદ સ્ટેટિક બંદોબસ્તના કેટલાક પોઈન્ટ નિર્ધારિત કર્યા છે જે આ પ્રમાણે છે.
52 મંદિર, 68 મસ્જિદ, 03 દેરાસર, 01 ચર્ચ 250 ધાબા પોઈન્ટસ, 26 વોચ ટાવર, 55 વીડિયો રેકોર્ડિંગ પોઈન્ટસ
ટ્રાફિક બંદોબસ્તઃ
રથયાત્રા ટ્રાફિક બંદોબસ્ત સંયુક્ત પોલીસ કમિશ્નર, ટ્રાફિક વિભાગની દેખરેખ હેઠળ મુકવામાં આવે છે. જેમાં નાયબ પોલીસ કમિશ્નરથી માંડીને હોમગાર્ડ-ટીઆરબીના જવાનો એમ કુલ 1,051 અધિકારી અને કર્મચારીઓ જોડાય છે. રથયાત્રા પસાર થવાની હોય તેવા તમામ વિસ્તાર પર ટ્રાફિક શાખા તરફથી વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે.
રૂટ પર ટ્રાફિક અડચણ હોય તો તેને તાત્કાલિક દૂર કરાવી રથયાત્રા સરળતાથી પસાર થાય તે રીતે વ્યવસ્થા કરવાની હોય છે. લાઠી, હેલ્મેટ, લાઈટ બેટન, વ્હીસલ્સ અને રેઈનકોટથી સજ્જ ટ્રાફિક પોલીસકર્મચારીઓ તેમને ફાળવેલા પોઈન્ટ્સ પર હાજર રહેશે. વાહન, વોકીટોકી, વાયરલેસ સેટ થકી સૂચનાની ત્વરીત અમલવારી કરવામાં આવશે. ઉપરાંત બેરિકેડિંગ અને રિયલટાઈમ વીડિયોગ્રાફી એમ આધુનિક અને અસરકારક સાધનો થકી ટ્રાફિક નિયમન કરવામાં આવશે. સાથે સાથે ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી વૈકલ્પિક રૂટનો નક્શો પણ જાહેર કરવામાં આવ્યો છે.
રથયાત્રામાં નાનામોટા આકસ્મિક બનાવો ને પહોંચી વળવા માટે ઇમરજન્સી પ્લાન બનાવામાં આવ્યો છે. ૧૫ ક્વિક રિસ્પોન્સ ટીમની મદદથી જલ્દી થી જલ્દી મદદ પહોંચાડી શકાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફાયર ઇમરજન્સી તેમજ મેડિકલ ઇમરજન્સી પ્લાન પણ આગોતરા તૈયાર કરી દેવામાં આવ્યા છે.
આગ નો કોઈ બનાવ ન બને તે માટે રથયાત્રાના રૂટ પર ફાયર ફાયટર ટીમ રાખવામાં આવી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ, મોબાઈલ એમ્બ્યુલન્સ, અર્બન હેલ્થ સેન્ટર, રથયાત્રાના રૂટ પર કાર્યરત રહેશે. કોઈને તબીબી સેવાની જરૂર પડે તો તે માટે વી. એસ., એલ. જી., શારદાબેન, તથા સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમો ખડેપગે રાખવામાં આવશે.
એરિયા ફેમિલિરાઈઝેશનથી પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સંવેદનશીલ વિસ્તારને સંભાળી તેમજ ચકાસી શકે તે માટે રૂટ પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે. રથયાત્રા ના દરેક રૂટના કમ્યુનલ ઇતિહાસ, સંવેદનશીલ પોઇન્ટ તથા સંભવિત સંવેદનશીલ પોઇન્ટ ને ઓળખીને તેની ચકાસણી તેમજ રથયાત્રા દરમિયાન ત્યાંથી કોઈ પણ પ્રકારની અડચણ ઉભી ના થાય તે જોવાનું કામ પણ પોલીસ ડિપાર્ટમેન્ટ કરશે.
જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પાર પડે તેમજ આસ્થા અને વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે સુનિશ્ચિત કરવા પોલીસ કાર્યરત છે. અષાઢી બીજના આ પાવન પર્વ પર પોલીસ વિભાગ ભક્તો અને ભગવાન વચ્ચેની સુરક્ષિત કડી બનશે. – વિવેક, શ્રદ્ધા – પ્રદેશ માહિતી કચેરી, અમદાવાદ